Site icon Revoi.in

ચૂંટણી બોન્ડ અંગે SBI તમામ જાણકારી ગુરુવારે સાંજ સુધી જાહેર કરશે

Social Share

નવી દિલ્હીઃ ઈલેક્ટોરલ બોન્ડની માહિતીને લઈને સુપ્રીમ કોર્ટે આજે ફરી SBIને ફટકાર લગાવી છે. કોર્ટે સુનાવણીમાં કહ્યું કે તેણે SBIને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી જાહેર કરવા કહ્યું છે અને તેમાં ઈલેક્ટોરલ બોન્ડ નંબર પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે SBIએ પસંદગીની માહિતી જાહેર કરવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, એસબીઆઈના ચેરમેનને 21મી માર્ચના રોજ સાંજે 5 વાગ્યા સુધી તમામ જાણકારી જાહેર કરવી પડશે. આ અંગે એક એફિડેટ પણ દાખલ કરવાનું રહેશે. સર્વોચ્ચ અદાલતે નિર્દેશ કર્યો હતો કે, ચૂંટણીપંચ પાસે એસબીઆઈની જેવી માહિતી આવે તેવી જ પોતાની વેબસાઈટ ઉપર અપલોડ કરશે.

સુપ્રીમ કોર્ટ (એસસી ઓન ઈલેક્ટોરલ બોન્ડ) ટકોર કરતા કહ્યું હતું કે, તે એસબીઆઈને ચૂંટણી બોન્ડ નંબર જાહેર કરવા કહેશે અને તેણે એફિડેવિટ પણ દાખલ કરવી પડશે કે તેણે કોઈ માહિતી છુપાવી નથી. સુનાવણી દરમિયાન એસબીઆઈએ જણાવ્યુ હતું કે, તે તેની પાસેની દરેક માહિતી સર્વોચ્ચ અદાલતને આપશે અને બેંકે એમ પણ કહ્યું કે તેણે અત્યાર સુધી તેની પાસે કોઈ માહિતી છુપાવી નથી.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, અમે છેલ્લી સુનાવણી દરમિયાન પણ કહ્યું હતું કે તમારે ઈલેક્ટોરલ બોન્ડ પર યુનિક નંબરનો ઉલ્લેખ કરવો પડશે, પરંતુ તેમ કરવામાં આવ્યું ન હતું. કોર્ટે કહ્યું કે બેંકે માત્ર અમારા આદેશ પર નિર્ભર ન રહેવું જોઈએ. કોર્ટે 11 માર્ચે તેના નિર્ણયમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બોન્ડની ખરીદીની તારીખ, ખરીદનારનું નામ, કેટેગરી સહિત સંપૂર્ણ વિગતો પ્રદાન કરે, પરંતુ SBIએ યુરિક આલ્ફા ન્યુમેરિક નંબરોનો ખુલાસો કર્યો નહતો.