Site icon Revoi.in

ધો.10-12ની પરીક્ષા દરમિયાન શાળાના સંચાલકો કેન્દ્રો પર હાજર રહી શકશે નહીં, બોર્ડનો આદેશ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 14 માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સુચના આપીને પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. કે, ધોરણ 10 અને 12ની પરીક્ષામાં શાળા સંચાલકો કેન્દ્રો પર હાજર રહી શકશે નહીં.   શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક મંડળના હોદ્દેદારો કે સભ્યોને પરીક્ષાની કોઇ કામગીરી સોંપવામાં આવતી નથી. જેથી પરીક્ષા વખતે તેમને પરીક્ષા કેન્દ્રો પર હાજર રહેવું નહીં તેવી સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની  પરીક્ષાનો પ્રારંભ 14 માર્ચથી થશે. અને  29મી માર્ચના રોજ પરીક્ષાઓ પૂર્ણ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધારો-1972 અને વિનિયમો અન્વયે જાહેર પરીક્ષાઓમાં ઉપયોગમાં લેવામાં આવતા ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો ઉપયોગ પરીક્ષા સ્થળ તરીકે બોર્ડની જાહેર પરીક્ષામાં કરવામાં આવે છે. જેથી બોર્ડની જાહેર પરીક્ષાઓ દરમિયાન શાળાકીય સંસ્થાઓમાં કામગીરી કરતા આચાર્ય, શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ પણ ફરજ બજાવતા હોય છે. શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષાના સમય દરમિયાન શાળા સંચાલક મંડળના હોદ્દેદારો કે સભ્યોની પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા સ્થળ પર કોઇ ભૂમિકા કે ફરજ સોંપવામાં આવતી નથી. જેથી શિક્ષણ બોર્ડની પરીક્ષા વખતે તેમને પરીક્ષા સ્થળ પર હાજર ન રહેવા માટે આદેશ અપાયો છે.

શિક્ષણ બોર્ડે સ્પષ્ટ આદેશ કરતા જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બર્ડ દ્વારા ધો.10 અને 12ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે, પરીક્ષાના સમય દરમિયાન શાળાના બિલ્ડીંગમાં શાળા મંડળના કોઇ ટ્રસ્ટી હાજર રહી શકશે નહીં. શિક્ષણ બોર્ડ દ્વારા તાબાના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આ અંગે પરિપત્ર કરી સૂચના આપી છે અને તેમના તાબાની સ્કુલોના શાળા સંચાલક મંડળના ટ્રસ્ટીઓને આ સૂચનાનું પાલન કરવા માટે તાકીદ કરવા જાણ માટે પણ કહેવામાં આવ્યું છે. ખરેખર નિયમ મુજબ શાળા સંચાલકોને કોઇ કામગીરી સોંપવામાં આવી ન હોય તો તેઓ પરીક્ષા કેન્દ્ર પર આવી શકે નહી, પરંતુ કેટલાક સંચાલકો માત્ર લટાર મારવા માટે પણ પરીક્ષા કેન્દ્રો પર આવી જતા હોવાનું જણાતા આ અંગે કડક સૂચના આપવામાં આવી છે.

Exit mobile version