Site icon Revoi.in

અમદાવાદમાં ભારે વરસાદ બાદ સોમવારે નોકરિયાત વર્ગને પણ પડી રહી છે તકલીફ

Social Share

અમદાવાદમાં જે રીતે ગઈ કાલે રાતે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના પગલે શાળા અને કોલેજોને પણ સોમવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવામાં જો વાત કરવામાં આવે તો સોમવારે સવારે જે નોકરી માટે નીકળ્યા છે તેમને પણ તકલીફ પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે તેના કારણે લોકો નોકરી પણ જઈ શકતા નથી.

ગઈ કાલે રાતે અમદાવાદ શહેરમાં પણ અતિ ભારે વરસાદ ખાબક્યો હતો. અમુક જ કલાકોમાં 10 ઈંચ જેટલો વરસાદ પડતાં શહેરમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી.

અમદાવાદ મહાનગર પાલિકાએ આજે શાળા અને કોલેજોને બંધ રાખવાની જાહેરાત ગઈ કાલે રાતે જ કરી દીધી હતી. અમદાવાદમાં ત્રણ કલાકમાં જ 114.3 મિ.મી. વરસાદ પડ્યો હતો. શહેરના પાલડી, વાસણા અને એલિસ બ્રિજ વિસ્તારોમાં 241.3 મિ.મી. વરસાદ પડ્યો હતો. શહેરમાં મોસમના કુલ વરસાદનો 30 ટકા વરસાદ છેલ્લા ત્રણ દિવસમાં જ પડી ગયો છે.

ખેડા જિલ્લાના નડિયાદના અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થતાં નિચાણવાળા ભાગોમાં રહેતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવી પડી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતાના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. ફસાઈ ગયેલાં લોકોને ઉગારવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ટૂકડીઓના જવાનો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વલસાડ, નવસારી, તાપી તથા અન્ય ભાગોમાં પણ ભારે વરસાદે જનજીવનને માઠી અસર પહોંચાડી છે.