Site icon Revoi.in

રાજ્યની તમામ ગ્રાન્ટેડ શાળાનો સમય બપોરનો કરાતા શાળા સંચાલકો અને વાલીઓનો વિરોધ

Social Share

અમદાવાદ : ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન સાથે જ  શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જ એક પરિપત્ર જાહેર કરીને રાજ્યના તમામ ગ્રાન્ટેડ શાળાઓનો સમય સવાર પાળીને બદલે ફરજિયાત બપોરનો કરવાનો આદેશ કર્યો છે. આ આદેશને પગલે રાજ્યની 7620 શાળાઓને સીધી અસર થઇ છે અને આ પરિપત્રનો શાળા સંચાલકોમાં રોષ ફેલાયો છે તો બીજી બાજુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ વિરોધ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મજબ શાળાઓમાં 27 કલાકનું શિક્ષણ કાર્ય થાય તે માટે શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડીને ગ્રાન્ટેડ શાળાઓ સવારના 11થી સાંજના 5 વાગ્યા સુધી ચલાવવાનો આદેશ’ કર્યો છે. વધુમાં જે શાળામાં પાળી પદ્ધતિ નથી તે શાળાઓ’ સવારની પાળીમાં શાળા ચલાવી શકાશે નહી. જે શાળાઓમાં પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ બન્ને હોય તો પ્રાથમિક વિભાગનો સમય સવારનો અને માધ્યમિક વિભાગનો સમય બપોરનો’ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય સામે શાળા સંચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અને શાળા  સંચાલકો દ્વારા પણ સરકારને રજુઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વાલીઓ પણ એવી રજુઆતો કરી રહ્યા છે, કે બપોર કરતા સવારનો સમય બાળકોને વધુ અનુકૂળ હોય છે. સરકારે વિચાર્યા વિના નિર્ણય લીધો હોય તેમ લાગી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શિક્ષણ વિભાગે વર્ષ 2000, 2012 અને 2014માં તમામ ગ્રાન્ટેડ શાળાઓનો સમય 11થી 5 રાખવાનો પરિપત્ર કર્યો હતો પરંતુ ઘણા જિલ્લાઓ અને શહેરોમાં વાલીઓ સંચાલકોએ વિરોધ કરતા શાળાના કલાકો પૂર્ણ થાય તે મુજબ શાળાનો સમય રાખવા પરિપત્ર બહાર પાડયો હતો ત્યારે શિક્ષણ વિભાગે ફરી સમય બદલાવતા શાળા સંચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. (file photo)