Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિએ સીલ કરેલી શાળાઓ પરિણામ તૈયાર કરવા માટે પાંચ કલાક ખોલવા દેવાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સીલિંગ કાર્યવાહી દરમિયાન 30 જેટલી સ્કૂલો પણ સીલ કરવામાં આવી હતી. સ્કૂલો સીલ કરાયા બાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા બાબતે વિવાદ સર્જાયો હતો. 17 જૂન સુધી તમામ સ્કૂલો પરિણામ તૈયાર કરીને ઓનલાઇન અપલોડ કરવાના હતા, પરંતુ સ્કૂલ સીલ હોવાને કારણે કેટલીક સ્કૂલોમાં પરિણામ અંગે પ્રશ્ન ઊભો થયો હતો જેથી મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા 4-5 કલાક માટે સ્કૂલ ખોલવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી BU પરમિશનને કારણે અનેક બિલ્ડિંગ સીલ કરવામાં આવી રહી છે. જેમાં શહેરની 30 જેટલી સ્કૂલો પણ સીલ કરવામાં આવી હતી. કોર્પોરેશનની કાર્યવાહી બાદ સ્કૂલો મૂંઝવણમાં મુકાઈ હતી. ધોરણ 10ના પરિણામ 17 જૂન સુધી તૈયાર કરીને બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવાના છે. પરંતુ સ્કૂલો સીલ હોવાને કારણે પરિણામ તૈયાર કરી શકાયા નથી. જેના કારણે સ્કૂલો મૂંઝવણમાં હતી. સ્કુલના સંચાલકો દ્વારા મેયર, શિક્ષણમંત્રી તથા મુખ્યમંત્રી રજૂઆત કરી હતી. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4- 5 કલાક સ્કૂલો ખોલવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન પરિણામ તૈયાર કરવા માટેના તમામ ડોક્યુમેન્ટ સંચાલકોએ લેવાના રહેશે. બાદમાં સ્કૂલ ફરીથી સીલ કરવામાં આવશે. સંચાલકોએ ડોક્યુમેન્ટ લઈને અન્ય જગ્યાએ પરિણામ તૈયાર કરીને ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.

આ અંગે AMCના ટીપી કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા સીલ કરાયેલી સ્કૂલો 4-5 કલાક માટે ખોલી શકાશે. વિદ્યાર્થીઓના પરિણામ માટે જ સ્કૂલ ખોલી શકાશે. સંચાલકોએ AMCના અધિકારીને સ્કૂલ ખોલવા માટે જાણ કરવી પડશે. 4-5 કલાક બાદ ફરીથી સ્કૂલ સીલ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાય દિવસથી BU પરમિશનને લઇને અનેક બિલ્ડિંગો સીલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરની 30 જેટલી સ્કૂલો પણ BU પરમિશન ન હોવાના કારણે સીલ કરવામાં આવી છે. સ્કૂલો સીલ કરાતા સ્કૂલની કામગીરી જ બંધ થઈ ગઈ છે. અનેક સ્કૂલોમાં સ્ટાફ અને શિક્ષકો રોજ જઈને સ્કૂલની બહાર બેસી રહે છે. સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓને ભણાવી પણ શકાતા નથી.