- વૈજ્ઞાનિકોને મળ્યો 4,500 વર્ષ જૂનો હાઇવે
- પ્રાચીન કબરો પણ જોવા મળી
- જોઈને સૌ દંગ રહી ગયા
માત્ર બ્રહ્માંડ જ નહીં પરંતુ આપણી પૃથ્વી પણ રહસ્યોથી ભરેલી છે.અહીં વૈજ્ઞાનિકોને શોધ દરમિયાન અવારનવાર એવી અદ્ભુત વસ્તુઓ જોવા મળે છે, જે ચોંકાવનારી હોય છે. ખાસ કરીને ધરતીની નીચે આવા રહસ્યો છુપાયેલા છે, જે સમયાંતરે જાણવા મળે છે, તો આખી દુનિયા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.આવી જ એક શોધ આજકાલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં, પુરાતત્વવિદોએ સાઉદી અરેબિયામાં પ્રાચીન કબરો તેમજ લગભગ 4,500 વર્ષ જૂના હાઇવે નેટવર્કની શોધ કરી છે.
અહેવાલ અનુસાર, યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ છેલ્લા એક વર્ષમાં આ સ્થળની વ્યાપક તપાસ હાથ ધરી છે,જેમાં હેલિકોપ્ટર દ્વારા હવાઈ સર્વેક્ષણ, જમીન સર્વેક્ષણ, ખોદકામ અને ઉપગ્રહની તસવીરોનો સમાવેશ થાય છે
સંશોધન અનુસાર, વૈજ્ઞાનિકોને 1,60,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં હાઇવે જેવા રસ્તા મળ્યા છે, જે હજારો વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે,આ રસ્તાઓની આસપાસ હજારો કબરો પણ મળી આવી છે અને તે પણ હજારો વર્ષ જૂની છે, પરંતુ તેમાંથી ઘણી હજી પણ સારી સ્થિતિમાં છે.
વૈજ્ઞાનિકોની ટીમ આ પ્રાચીન કબરોનું ખોદકામ કરીને તેમના વિશે શક્ય તેટલી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.એવું માનવામાં આવે છે કે આ કબરોમાં, મનુષ્યોને એકલા અથવા ઘણા લોકોને એકસાથે દફનાવવામાં આવ્યા હતા.
જો કે, હાઈવેની બાજુમાં આટલી મોટી સંખ્યામાં કબરો શા માટે બનાવવામાં આવી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.કેટલાક લોકો માને છે કે,હાઇવેની બાજુમાં આવેલી જમીન પર પોતાનો અધિકાર જમાવવા માટે કબરો બનાવવામાં આવી હશે, જ્યારે કેટલાક માને છે કે,લોકો તેમના પ્રિયજનોને આવતા-જતા જોઈ શકે છે, તેથી તેમને હાઇવેની બાજુમાં દફનાવવામાં આવ્યા હતા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિષ્ણાતો માને છે કે,હાઇવે યમન સુધી લંબાશે, કારણ કે યમન અને ઉત્તર સીરિયામાં ઘણી સમાન પ્રાચીન કબરો મળી આવી છે.