Site icon Revoi.in

અમદાવાદમાં સીઝનલ બિમારીનો વાવર, ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસમાં વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો છે. જોકે રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હાલ શહેરમાં સીઝનલ બીમારીનો વાવર જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને ઝાડા-ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં કોલેરા ફરી વકર્યો છે. ગત વર્ષના ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસો સામે આ વખતે વધુ કેસો નોંધાયા છે. શહેરમાં મચ્છીના ઉપદ્રવ વધવાને લઈ એએમસી દ્વારા ફોગિંગ મશીનથી કામગીરી શરૂ કરવામાં આવી છે.

એએમસીના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાલુ જાન્યુઆરી મહિનામાં ઝાડા-ઊલટીના 288 જ્યારે ટાઇફોઇડના 186 જેટલાં કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગોનો વધારો થયો છે. જોકે  ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, વટવા, વસ્ત્રાલ અને અમરાઈવાડી વિસ્તારમાં કોલેરાના કેસો સામે આવ્યા છે. જે વિસ્તારમાં પાણીજન્ય કેસો વધ્યા છે. ત્યાં પાણીના સેમ્પલ લેવાની અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં મચ્છીનો ઉપદ્રવ વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 જેટલા ફોગિંગ મશીનથી ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડેન્ગ્યુ અને 36 મેલેરિયાના 9 કેસ નોંધાયા છે. જ્યાં પણ પાણીજન્ય કેસ સામે આવે છે ત્યાં પાણીની લાઈનો તપાસ કરવાની અને સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ચાલુ વર્ષ દરમિયાન 3257 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 30 સેમ્પલ અનફિટ આવ્યા છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, શહેરના પૂર્વ વિસ્તારમાં રોગચાળા સામે તકેદારી રાખવામાં આવી રહી છે. જેમાં લાંભા, વટવા, વસ્ત્રાલ અને અમરાઈવાડી વિસ્તારમાં કોલેરાના કેસો વધતા પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં સાદા મેલેરિયાના કેસ પણ નોંધાયા છે.