Site icon Revoi.in

પાકિસ્તાનમાં સુરક્ષા જવાનોએ આઠ આતંકવાદીઓને ઠાર માર્યા, એક જવાન શહીદ

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદી ઠેકાણા પર કરાયેલી કાર્યવાહીમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં એક પાકિસ્તાની સૈનિક પણ શહીદ થયો હતો. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જેહાર કરાયેલા નિવેદન અનુસાર, દક્ષિણ વઝિરિસ્તાન જિલ્લાના શિનવરસાક વિસ્તારમાં એક ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન (IBO) હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સુરક્ષા કર્મચારીઓ અને આતંકવાદીઓ વચ્ચે સામ-સામે ધાણી ફુટ ગોળીબાર થયો હતો. આ કાર્યવાહીમાં એક જવાન પણ શહીદ થયો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર, સૈનિકોએ અસરકારક રીતે આતંકવાદીઓનો સામનો કર્યો હતો. આ ઓપરેશનમાં ખતરનાક આતંકવાદી કમાન્ડર જાન મોહમ્મદ ઉર્ફે ચરાગ સહિત આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા જવાનોએ ઘટના સ્થળેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. સુરક્ષા દળો ઉપર હુમલો અને નિર્દોશ નાગરિકોની હત્યા જેવા ગંભીર ગુનામાં આ આતંકવાદીઓ સંડોવાયેલા હતા. સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના સુરક્ષા દળો આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ ક્યા સંગઠનના હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં અનેક આતંકવાદી સંગઠનો ધમધમી રહ્યાં છે. પાકિસ્તાન આતંકવાદને ભારત વિરોધી પ્રવૃતિ માટે પ્રોત્સાહન આપતું રહ્યું છે પરંતુ હવે આતંકવાદીઓ પાકિસ્તાનમાં હુમલા કરી રહ્યાં છે. બીજી તરફ દુનિયાને બતાવવા માટે પાકિસ્તાન સુરક્ષા જવાનોએ આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાનું હવે દુનિયાના વિવિધ દેશો પણ માની રહ્યાં છે.