પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન ગણાતા પાલીતાણા શહેરની ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. બસ સ્ટેન્ડથી પુલ સુધીનો માર્ગ તેમજ ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીના માર્ગ પર વારંવાર ચક્કાજામના બનાવો બને છે અને નાના-મોટા અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. આ બન્ને રોડ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. બન્ને માર્ગો પરના દબાણો હટાવવામાં આવે તો જ સમસ્યા હળવી બનાવી શકાય તેમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલિતાણા શહેરમાં બસ સ્ટેન્ડથી પુલ સુધીના વિસ્તારમાં ભારે ટ્રાફિક રહે છે એક બાજુ આડેધડ લારીઓ ખડકાયેલી હોય છે તો બીજી બાજુ આ રોડ ઉપર આવેલ શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગની જગ્યા ન હોવાથી વાહનો રોડ ઉપર ખડકાયેલા જોવા મળે છે. સરદાર પટેલ શોપિંગ સેન્ટર અને નટરાજ શોપિંગ સેન્ટર બહાર વાહનોના ખડકલા જોવા મળે છે. ફોરવીલ વાહનો પણ આડેધડ પાર્કિંગ કરેલા જોવા મળે છે, છતાં પોલીસ તંત્ર મૌન રહે છે. ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ એકદમ સાંકડો છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ પાલિતાણામાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા પ્રયાસો કરી રહ્યા છીએ. ચૂંટણી હોવાથી મોટાભાગનો સ્ટાફ ચૂંટણી કર્યમાં વ્યસ્ત હતો. હવે ચૂંટણી પૂર્ણ થતાં ટ્રાફીક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જાહેર રોડ પર ટ્રાફીકને અડચણ લારીઓ અને દબાણો હટાવવામાં આવશે. ટ્રાફીકનો પ્રશ્ન હલ કરવા લકઝરી બસોને શહેરમાં નોએન્ટ્રીની દરખાસ્ત કરવામાં આવી છે. લકઝરી બસોને ગારિયાધાર રોડ ઉપર હેલીપેડ પાસેના ગ્રાઉન્ડમાં પાર્કીંગ આપવાનું આયોજન છે. ટ્રાફીક પ્રશ્ન હલ કરવા નગરપાલિકાએ પાર્કિંગની વ્યવસ્થા કરવી જરૂરી છે.

