Site icon Revoi.in

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના બિલ્ડિંગ સહિત 7 પોલીસ ભવનો ઉદ્ધાટનની રાહ જોઈ રહ્યા છે

Social Share

રાજકોટઃ ગુજરાત પોલીસેને પણ હવે સમયની સાથે આધુનિક કરવામાં આવી રહી છે. નાવ વાહનો બોડી કેમેરા વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. તેમજ પોલીસ સ્ટેશનોના જર્જરિત બની ગયેલા મકાનોને નવા બનાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં હાલ સાત જેટલા પોલીસ ભવનો તૈયાર થઈ ગયા છે. પણ ઉદ્ધાટનના વાંકે વપરાશ વિનાના પડ્યા છે. આથી સાતેય પોલીસ ભવનોના ઉદ્ધાટન માટે દેશના ગૃહમંત્રી અમિત શાહનો સમય માગવામાં આવ્યો છે. એટલે ટુક સમયમાં નવા પોલીસ ભવનો કાર્યરત થઈ જશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનું નવું-નક્કોર બિલ્ડિંગ સહિત ગુજરાતના સાત પોલીસ ભવનના ઉદ્ઘાટન માટે ગૃહમંત્રી અમિત શાહનો સમય માંગવામાં આવ્યો છે. જામનગર રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતના વિભાગો માટેનું આખું બિલ્ડિંગ તૈયાર છે પરંતુ તેનું લોકાર્પણ ન થઈ શકતાં અત્યારે સ્ટાફે ખીચોખીચ જગ્યામાં બેસવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. એકાદ-બે મહિના અગાઉ દિલ્હી ગૃહમંત્રાલય તરફથી ગુજરાતમાં તૈયાર થયેલા પોલીસ ભવનોની વિગતો મંગાવવામાં આવી હતી જેમાં રાજકોટના બિલ્ડિંગની યાદી પણ મોકલવામાં આવી હતી. જો કે હવે ગૃહ મંત્રાલય તરફથી ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઈ રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ગૃહમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવે તે માટે રાજકોટનું પોલીસ બિલ્ડિંગ તૈયાર થઈ ગયાની જાણકારી મહિનાઓ અગાઉ આપી દેવામાં આવી હતી પરંતુ હજુ દિલ્હીથી નિશ્ચિત તારીખ આપવામાં આવી નથી. જો બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં વિલંબ થશે તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરાવવામાં આવી શકે છે, કેમ કે અત્યારે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે ખીચોખીચ જગ્યામાં બેસવું પડી રહ્યું છે. રાજકોટ ઉપરાંત રાજ્યના છ જેટલા પોલીસ ભવનો છે જે તૈયાર થઈ ગયા છે પરંતુ તેનું ઉદ્ઘાટન હજુ સુધી શક્ય બન્યું નથી. તાજેતરમાં જ સરકાર દ્વારા રાજકોટમાં ડીસીપી ક્રાઈમની ખાલી પડેલી જગ્યા ઉપર મહેસાણાના એસપી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી હતી. ડૉ.ગોહિલે ચાર્જ સંભાળે તે પહેલાં જ સૌથી પહેલો પ્રશ્ર્ન એ ઉપસ્થિત થયો હતો કે તેમને બેસાડવા ક્યાં ?  ત્યારે અધિકારીઓ દ્વારા એસીપી ક્રાઈમ ડી.વી.બસીયાની ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઑફિસમાં તેમને બેસાડવામાં આવ્યા હતા અને ડી.વી.બસીયા માટે ત્રીજા માળે કામચલાઉ ઑફિસ તૈયાર કરી આપવામાં આવી હતી. આ ચેમ્બરની વ્યવસ્થા કરાઈ ત્યાં જ થોડા દિવસ પહેલાં ક્રાઈમ બ્રાન્ચમાં વધુ એક પીઆઈ મુકવામાં આવતાં તેમની ચેમ્બરનો પ્રશ્ર્ન પણ ઉપસ્થિત થયો હતો. અત્યારે તેમને ક્રાઈમ બ્રાન્ચમાં પહેલાંથી જ મુકાયેલા પીઆઈ જે.વી.ધોળાની ચેમ્બરમાં જ બીજું ટેબલ મુકીને બેસાડવામાં આવ્યા છે. આ રીતે એક જ ચેમ્બરમાં અત્યારે બે પીઆઈ અલગ-અલગ ટેબલ પર બેસીને કામ કરી રહ્યા છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચમાં તાજેતરમાં જ નવો સ્ટાફ મુકવામાં આવ્યો છે પરંતુ બ્રાન્ચની ઑફિસ નાની હોવાને કારણે તેમણે બહાર લોબીમાં ઉભું રહેવું પડે છે.આ બધાની વચ્ચે ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતના વિભાગો માટે આખું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું હોવા છતાં તેનું લોકાર્પણ ન થઈ શકતાં અત્યારે તે ધૂળ ખાઈ રહ્યું છે એટલા માટે જ સ્ટાફ છૂટથી બેસી શકે તે માટે એ બિલ્ડિંગને શરૂ કરવું જરૂરી બની જાય છે.