Site icon Revoi.in

નેપાળમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ ભારતીય સહિત સાત પ્રવાસીઓના મૃત્યુ

Social Share

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં આજે ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી. નેપાળના બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર નજીક મુસાફરો ભરેલી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ દૂર્ઘટનામાં છ ભારતીય સહિત સાત વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આ તમામ પ્રવાસીઓ દર્શન કરવા માટે મંદિર જઈ રહ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શ્રદ્ધાળુઓને લઈને કઠમંડુથી જનકપુરી જઈ રહી હતી. જનકપુરી ખાતે મંદિર દર્શન કરવા શ્રદ્ધાળુઓ જઈ રહ્યાં હતા. દરમિયાન બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી બસ રોડની સાઈડમાં ઉતરીને 15 મીટર અંદર ખાબકી હતી. આ અકસ્માતને પગલે બસમાં સવાર શ્રદ્ધાળુઓની મરણચીસોથી ગમગીની ફેલાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતા બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પ્રવાસીઓને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. આમ મૃત્યુઆંક વધીને સાત ઉપર પહોંચ્યો હતો. મૃતકોમાં છ ભારતીયોનો સમાવેશ થાય છે.

અકસ્માતમાં લોહાર પટ્ટી, મહોત્તરીના 41 વર્ષીય બિજય લાલ પંડિત અને રાજસ્થાનના બહાદુર સિંહ (ઉ.વ. 67), મીરા દેવી સિંહ (ઉ.વ. 65), સત્યવતી સિંહ (ઉ.વ 60), રાજેન્દ્ર ચતુર્વેદી (ઉ.વ. 70), શ્રીકાંત ચતુર્વેદી (ઉ.વ. 65) અને બૈજંતી દેવી (ઉ.વ. 67)ના મૃત્યુ થયાં હતા. આ દૂર્ઘટનામાં 17 પ્રવાસીઓને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધીને તેની  અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.