Site icon Revoi.in

શાંતિશ્રી ધુલીપુડી પંડિત JNUના પ્રથમ મહિલા વાઈસ ચાન્સલર બન્યા

Social Share

દિલ્હીઃ દેશમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની કમાન પહેલીવાર મહિલાના હાથમાં આવી છે. પુણે યુનિવર્સિટીના પ્રોફેસર શાંતિશ્રી ધુલીપુડી પંડિતને JNUના નવા વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જેએનયુની પ્રથમ મહિલા વીસી છે. પુણે યુનિવર્સિટીમાં પોલિટિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન ભણાવતા પ્રોફેસર પંડિતનો જન્મ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં થયો છે. તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ ચેન્નાઈમાં થયો હતો અને જેએનયુમાંથી એમ.ફિલમાં ટોપ કર્યું હતું. તે બાદ તેણે અહીંથી પીએચડી પણ કર્યું હતું. 1996માં તેમણે સ્વીડનની ઉપસાલા યુનિવર્સિટીમાંથી ડોક્ટરલ ડિપ્લોમા મેળવ્યો. હિન્દી, અંગ્રેજી, મરાઠી, તમિલ જેવી છ ભાષાઓમાં નિપુણ, પ્રોફેસર પંડિત કન્નડ, મલયાલમ અને કોંકણી પણ સમજે છે.

પ્રોફેસર શાંતિશ્રી ધુલીપુડી પંડિતના પિતા સિવિલ સર્વિસમાં હતા. માતા લેનિનગ્રાડ (હવે સેન્ટ પીટર્સબર્ગ) ઓરિએન્ટલ ફેકલ્ટી વિભાગમાં તમિલ અને તેલુગુના પ્રોફેસર હતા. અધ્યાપનમાં 34 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા પ્રોફેસર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે પૂણે યુનિવર્સિટી સિવાય ગોવા યુનિવર્સિટી, ઓસ્માનિયા યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, મદ્રાસ યુનિવર્સિટીમાં સેવા આપી છે. આ સિવાય તેમણે કેન્દ્ર સરકારની ઘણી મહત્વની સમિતિઓમાં પણ સામેલ રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય વિષયો પર ઉત્તમ પકડ ધરાવતા પ્રોફેસરે ઘણા સંશોધન પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ વિશ્વની ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ફેલોશિપ ધરાવે છે. તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે. JNUના વાઇસ ચાન્સેલર એમ. જગદેશ કુમારને UGCના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

શિક્ષણ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે તેમની નિમણૂક પાંચ વર્ષ માટે અથવા તેઓ 65 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી કરી છે. પ્રોફેસર ડીપી સિંહના રાજીનામા બાદ 7 ડિસેમ્બરથી આ પદ ખાલી હતું.