Site icon Revoi.in

દ્વારકા નજીક શિવરાજપુર બીચને ગોવાને પણ ટક્કર મારે એવો બીચ તૈયાર કરાશે

Social Share

દ્વારકાઃ રાજ્યમાં અનેક એવા રમણિય સ્થળો છે, કે તેનો વિકાસ કરવામાં આવે તો પ્રવાસન ક્ષેત્રને અનોખુ બળ મળી શકે તેમ છે. પ્રવાસીઓ માટે ગોવાથી પણ આહલાદક બીચ દ્વારકાના શિવરાજપુરમાં બનવા જઇ રહ્યો છે. બીચ ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકારે પ્રથમ ચરણમાં રૂ.20 કરોડની ફાળવણી કર્યા બાદ વધુ 80 કરોડ આપવાની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. સૌરાષ્ટ્રના વિશાળ સાગરકાંઠાના વિસ્તારોને ડેવલપ કરીને પ્રવાસન ક્ષેત્રે દેશ-વિદેશના સહેલાઓને આકર્ષિત કરવા માટે ગુજરાત સરકાર વધુ એક ધ્યેય સિધ્ધ કરવા જઇ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસીઓ માટે દીવ-દમણ આ ગોવા આ ત્રણ મુખ્ય મનપસંદ બીચ છે. ખાસ કરીને ગોવા બીચનો આનંદ માણવાના શોખિનોને હવે સૌરાષ્ટ્રના ઘરઆંગણે જ આવો નઝારો જોવા મળશે. દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને ગોવાના બીચથી પણ ટક્કર મારે એવી સુવિધા સાથે ડેવલપ કરવામા આવી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તાજેતરમાં દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ તકે તેમણે શિવરાજપુર બીચના ચાલતા વિકાસ કામની પણ મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે, શિવરાજપુર બીચના વિકાસ માટે ગુજરાત સરકારે અગાઉ રૂ.20 કરોડની ફાળવણી કરી આપી છે. વધુ રૂ.80 કરોડ આપવા મુખ્યમંત્રી રૂપાણીએ બીચની મુલાકાત દરમિયાન જાહેરાત કરી છે.

શિવરાજપુર બીચની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મુખ્યપ્રધાનના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, પુર્વ ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પંચાયતના પ્રમુખ રાજીબેન મોરી, નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સાંમાણી, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર રમેશ હેરમા, દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજય બુજડ, તાલુકા ભાજપ પ્રમુખ વરજાંગભા, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષ કણઝારિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, પોલીસ અધિક્ષક સુનિલ જોષી, નિવાસી અધિક કલેકટર કે.એમ.જાની, પ્રાંત અધિકારી એન.ડી.ભેટારિયા સહિતના સાથે રહ્યા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શિવરાજપુર બીચને ત્રણ કિલોમીટરથી પણ વધુ ઘેરાવમાં ડેવલપ કરવામાં આવી રહ્યો છે. ફેઇઝ-1માં રૂ.20 કરોડના ખર્ચે થતુ કામ હાલ પ્રગતિમાં છે. વધુ રૂ. 80 કરોડના ખર્ચે થનાર કામ માટે ટુંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવા મુખ્યમંત્રી રૂપાણીએ આદેશ કર્યો હતો. ગોવાને પણ ઝાંખો પાડી દે એવો વિકાસ દ્વારકાના શિવરાજપુર બીચનો થઇ રહ્યો છે. વોટર રાઇડ્સ, એમ્બ્યુઝમેન્ટ પાર્ક, ફૂડ ઝોન સહિતની સુવિધા થઇ રહી છે. આબેહૂબ ગોવાના બીચ જેવો જ નઝારો હશે પણ ફરક માત્ર એટલો હશે કે બંધાણીઓ માટે અહીં દારૂબંધીનો કડક કાયદો પાલન કરવામાં આવશે. પરમીટધારક હોય તેવા બંધાણીઓને પણ અહીં દારૂ પીધેલી હાલતમાં નો-એન્ટ્રી રહેશે.