Site icon Revoi.in

જુનાગઢમાં શિવરાત્રીના મેળાને હજુ મંજુરી મળી નથી પણ મ્યુનિ.એ મેળા માટે 60 લાખનું ટેન્ડર બહાર પાડ્યું

Social Share

જુનાગઢઃ શિવરાત્રીના પર્વને મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કોરોનાને લીધે જુનાગઢમાં ભવનાથની તળેટીમાં યોજાતા મેળાને સરકાર મંજુરી આપશે કે કેમ તે અંગે અવઢવભરી સ્થિતિ છે. કારણ કે મહાશિવરાત્રીના દિને જુનાગઢમાં સાધુ-સંતોની રવેડી પણ નિકળી હોય છે. તળેટીમાંથી સાધુ-સંતો દામોદર કુંડમાં સ્નાન કરવા માટે પણ આવતા હોય છે. સાધુ-સંતોના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. આથી કોરોનાની સ્થિતિમાં શિવરાત્રીના મેળાને મંજુરી આપવી કે કેમ તે અંગે સરકારે હજુ કોઈ નિર્ણય લીધો નથી. બીજીબાજુ  જૂનાગઢ મહાનગરપાલિકાએ 60 લાખનું ટેન્ડર બહાર પાડ્યું છે જેથી લોકોમાં અચરજ ફેલાયું છે. આ ટેન્ડરમાં મહા શિવરાત્રી મેળા માટે મંડપ સર્વિસ અને આનુષંગિક સેવા માટે ટેન્ડર ભરવા જણાવાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક ટેન્ડર બહાર પડાયું છે. આ ટેન્ડરમાં મહા શિવરાત્રી મેળા 2022 માટે મંડપ સર્વિસ તેમજ તેને આનુષંગિક કામગીરીનું છે. જેની કિંમત રૂપિયા 60,00,000 રખાઇ છે. આ કામ માટે અનુભવી પાર્ટીઓ પાસેથી ઓનલાઇન ટેન્ડર ભરવા જણાવાયું છે. આ ટેન્ડર 5 ફેબ્રુઆરી 2022ના સાંજના 6 વાગ્યાથી લઇને 12 ફેબ્રુઆરી 2022ના સાંજના 6 વાગ્યા સુધી ભરી શકાશે. ભરેલા ટેન્ડરો 14 ફેબ્રુઆરી 2022ના બપોરના 12 વાગ્યાથી ખુલશે.

આ ટેન્ડરમાં બાનાની રકમ 1,80,000 અને ટેન્ડર ફિ 5,000 નક્કી કરાઇ છે. ત્યારે સવાલ એ થાય છે કે, મેળાની મંજૂરી મળી ગઇ છે? ક્યા આધારે આ ટેન્ડર મંગાવાય છે? હજુ મેળો થશે કે નહિ તે નક્કી નથી તેમ છત્તાં આ રીતે ટેન્ડર બહાર પાડવાનું કારણ શું તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. જોકે સરકારની મંજુરી મળશે તેવો મહાનગરપાલિકાના સત્તાધિશોને વિશ્વાસ છે.