Site icon Revoi.in

મોડાસામાં શ્રી સોમનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવ અને ૭મો પાટોત્સવ ઉજવાશે

Shri Somnath Mahadev Temple in Modasa

Shri Somnath Mahadev Temple in Modasa

Social Share

પ્રતિનિધિ દ્વારા, મોડાસા, 12 ફેબ્રુઆરી, 2026 – Shri Somnath Mahadev Temple in Modasa મોડાસા શહેરના માણેકબા સોસાયટી વિસ્તારસ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવનારી શિવરાત્રી નિમિત્તે વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૮૨ના મહા વદ તેરસ, તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવારના રોજ શિવરાત્રી મહોત્સવ સાથે મંદિરનો ૭મો પાટોત્સવ ઉજવાશે. સમગ્ર આયોજન શ્રી સોમનાથ સેવા ટ્રસ્ટ, મોડાસા દ્વારા કરવામાં આવ્યું છે અને સર્વ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ટ્રસ્ટના પ્રમુખ રમણભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે શ્રી સોમનાથ મહાદેવ મંદિર શહેર માટે આસ્થાનું પ્રતીક છે. મંદિર ખાતે દર વર્ષે શિવરાત્રી પર્વ ભવ્ય રીતે ઉજવાય છે, પરંતુ આ વર્ષે મંદિરના ૭મા પાટોત્સવ સાથે ઉજવણી વધુ વિશેષ બનશે. તેમણે જણાવ્યું કે તા. ૧૫/૦૨/૨૦૨૬ના રોજ મહા વદ તેરસે વિવિધ ધાર્મિક વિધિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પ્રાંગણને ભવ્ય રીતે સજાવવામાં આવશે અને ભક્તોને સુવિધા મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ માત્ર ભારત જ નહીં, વિદેશોમાં પણ ગુંજે છે હર હર મહાદેવનો નાદ

ટ્રસ્ટી નિખિલભાઈ ચૌહાણે શિવરાત્રીના દિવસના કાર્યક્રમોની વિગત આપતા જણાવ્યું કે સવારે ૮:૦૦ કલાકે યજ્ઞ પ્રારંભ થશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનવિધિ યોજાશે અને ભક્તો અહુતિ આપી શકશે. સવારે ૯:૦૦ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં ભગવાન શિવના ધ્વજ, ભક્તિ સંગીત અને જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બનશે. સાંજે ૪:૦૦ કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ યોજાશે. ત્યારબાદ સાંજે ૬:૦૦ કલાકે ધ્વજ રોહણનો કાર્યક્રમ રહેશે. સાંજે ૭:૦૦ કલાકે મહા આરતી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ શકશે. રાત્રે ૮:૦૦ કલાકે ભવ્ય લોક ડાયરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શિવરાત્રી મહોત્સવના વિશેષ આકર્ષણરૂપે યોજાનારા લોક ડાયરામાં ગુજરાતના લોકલાડીલા કલાકારો ઉપસ્થિત રહેશે. ભજનિક વિવેક અમીન, લોકસાહિત્યકાર સુખદેવ ગઢવી અને લોકગાયિકા પિંકી પટેલ પોતાના કાર્યક્રમો દ્વારા ભક્તિમય માહોલ ઊભો કરશે. આ લોક ડાયરાનું સંયોજન ધવલ સાહિત્ય ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. ભક્તોને ભજન, લોકગીતો અને પ્રેરણાત્મક સાહિત્યનો અનોખો સંગમ માણવા મળશે.

ટ્રસ્ટના મંત્રી રૂપેશભાઈ ઝાલાએ શહેર તેમજ આસપાસના વિસ્તારોના ભક્તોને શિવરાત્રીના પાવન દિવસે દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે શિવરાત્રીનો દિવસ ભગવાન શિવની કૃપા મેળવવાનો વિશેષ અવસર છે અને દરેક ભક્તે પરિવાર સાથે આવી મહાદેવના દર્શનનો લાભ લેવો જોઈએ.

મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે પાર્કિંગ, સ્વચ્છતા અને સુરક્ષા જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મંદિરનું સ્થળ શ્રી સોમનાથ મહાદેવ માર્ગ પર આવેલું હોવાથી ભક્તોને પહોંચવામાં સરળતા રહેશે.

Exit mobile version