Site icon Revoi.in

રાજકોટમાં ઈ-મેમોની વસુલાત સામે કોંગ્રેસના કાર્યકર્તાઓની સહી ઝૂંબેશ, 15થી વધુની અટકાયત

Social Share

રાજકોટઃ શહેરમાં ઈ-મેમોની હવે કડક વસુલાત કરવામાં આવી રહી છે. જેના લીધે શહેરીજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ભાજપના ધારાસભ્યએ પણ ઈ-મેમોની કડક વસુલાત સામે નારાજગી વ્યક્ત કરીને ગૃહરાજ્ય મંત્રીને રજુઆત પણ કરી હતી.  શહેર પોલીસ દ્વારા ઈ-મેમોને લઇ કડકાઈ કરવામાં આવતા લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ અને NSUI મેદાને આવ્યું છે અને 150 કરોડથી વધુ રકમના પેન્ડિંગ ઈ-મેમો માફ કરવા માટે અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત જિલ્લા પંચાયત કચેરી ખાતે ‘સહી ઝુંબેશ અભિયાન’ હાથ ધરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપરાંત વકીલો પણ જોડાયા હતા. જો કે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા 15થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે બોજમુક્ત રાજકોટ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ અભિયાનનું હાથ ધરાયુ હતું. જેમાં NSUIના કાર્યકરો ચોકમાં પ્લે કાર્ડમાં ‘ઈ-મેમો’ માફ કરાવવા માટે વાહનચાલકોને અભિયાનમાં જોડાવોના અપીલ કરતા સ્લોગન સાથે ઊભા રહી નામ,નંબર અને સહી કરાવી હતી. મોટી સંખ્યામાં લોકોએ સહી કરી સમર્થન આપ્યું હતું. આ સહી ઝુંબેશમાં કોંગ્રેસના પુર્વ પ્રમુખ અશોક ડાંગર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયા,વિપક્ષનેતા ભાનુબેન સોરાણી, NSUI જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત સહિતનાં જોડાયા હતા.

આ અંગે NSUI જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમારો ઈરાદો લોકોને ગેરમાર્ગે દોરવાનો કે ટ્રાફિક નિયમો લોકો તોડે એ નથી. પરંતુ તંત્ર આડેધડ ટાર્ગેટ પુરા કરવા જો દંડો કરી જનતાને મૂર્ખ બનાવી એની વિરુદ્ધનો છે. સરકારે પહેલા સવલતો આપે અને પછી દંડ વસૂલવો જોઈએ. બોજમુક્ત રાજકોટ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ અભિયાન રાજકોટના વોર્ડ દીઠ શેરી ગલીમાં જનતા સમક્ષ કોંગ્રેસના કાર્યકરો જશે. તેમજ રાજકોટની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને સ્કૂલોમાં રૂબરૂ જઈ સહી કરાવીશું અને વિદ્યાર્થીઓના પરિવારના સભ્યોનું સમર્થન મેળવીશું. આ જ બાબતે લોકો ઓનલાઇન ઝુંબેશમાં સમર્થન આપી શકે તે માટે જરૂર પડ્યે પોર્ટલ લિંક પણ જાહેર કરવાના છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ જાગૃત બની આ બાબતે અવાજ ઉઠાવવો જોઈએ. આ કરોડોની દંડની રકમ કાઈ નાની નથી. લોકો જાગૃત થશે તો બધું શક્ય છે. ચૂંટણી પણ નજીક જ છે જો મોટા ઉદ્યોગપતિઓના દેવા અબજોના માફ સરકારે કરેલા જ છે. ભાજપના આટલા આગેવાનો રાજકોટમાં છે છતાં કેમ ચૂપ છે ? ખુલીને આ બાબતે સરકારમાં રજુઆત કરવી જોઈએ. આ અભિયાનમાં કોંગ્રેસના આગેવાનો અને સામાજિક સંગઠનોના આગેવાનો સાથે જ વકીલો પણ સમર્થનમાં જોડાયા હતા. બોજમુક્ત રાજકોટ અભિયાન અંતર્ગત ઈ-મેમો માફ કરવાની માંગણીનું લિસ્ટ જેમાં નામ, નંબર, સહી કરાવી સરકાર સમક્ષ મુકાશે. અને જો સરકાર માંગણી નહિ સ્વીકારે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે.

Exit mobile version