Site icon Revoi.in

9 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં ‘બ્લૂ ઇકોનોમી’નું મહત્ત્વપૂર્ણ યોગદાનઃ ભુપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ ફિશરીઝ ડેનિમિત્તે બે દિવસીય ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી ડો. સંજીવ બાલ્યાન અને ડો. એલ. મુરુગન તથા રાજ્યના કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ પણ આ તકે ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એક્ઝીબિશન પેવિલિયનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ગ્લોબલ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, સૌથી લાંબો દરિયાકિનારો અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે સૌથી વધુ વિકાસની સંભાવનાઓ ધરાવતા ગુજરાત રાજ્યના આંગણે સૌ પ્રથમ વખત આ પ્રકારની ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે એ આપણું સૌભાગ્ય છે. દેશમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિકાસને વેગવંતો બનાવવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ વખત અલગ મત્સ્યોદ્યોગ વિભાગ શરૂ કરાવેલો. આજે વિશ્વમાં ફિશ પ્રોડક્શનમાં આપણો દેશ ત્રીજા નંબરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023ના વિવિધ પ્રકલ્પો વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ આગવી કોન્ફરન્સ મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ – વ્યવસાયકારો, માછીમારો, એક્સપોર્ટર્સ, પ્રોસેસર્સ,પોલીસી મેકર્સ, લોજિસ્ટિક ક્ષેત્રે સંકળાયેલા સૌ લોકોને એક આગવું પ્લેટફોર્મ પૂરું પાડશે અને સૌને એક મંચ પર લાવશે. આ બે દિવસીય ગ્લોબલ કોન્ફરન્સમાં ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ સહિત આ ક્ષેત્રે સંકળાયેલા વિવિધ સ્ટેક હોલ્ડર્સ અનેકવિધ વિવિધતાપૂર્ણ સેમિનાર્સ, ડિસ્કશન, કોન્ફરન્સ અને ડેલીબરેશનમાં સહભાગી થશે અને મત્સ્યોદ્યોગના વૈશ્વિક પડકારો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરશે.

આ ઐતિહાસિક કોન્ફરન્સ થકી તેઓને દેશ-વિદેશમાં આ ક્ષેત્રે અપનાવવામાં આવતી વિવિધ તકનીકો, પદ્ધતિઓ, યોજનાઓ બાબતે ઉત્કૃષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત થશે. મત્સ્ય ઉદ્યોગના આંતરરાષ્ટ્રીય કારોબાર સહિત આ ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ પડકારો અને સંભાવનાઓ તથા તેના સમાધાનો અંગે આ કોન્ફરન્સ મહત્ત્વની સાબિત થશે. આ કોન્ફરન્સની ભલામણો અને સૂચનો આગામી સમયમાં આ ક્ષેત્રે પોલિસી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ મંથન દેશના ફિશરીઝ સેક્ટર માટે વે ફોરવર્ડસાબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ તકે વધુમાં વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આજે ગુજરાતે ઘોલ માછલીને પોતાની સ્ટેટ ફિશ જાહેર કરી છે. દેશભરમાં વિવિધ રાજ્યોએ નજીકના સમયમાં પોતાની સ્ટેટ ફિશ જાહેર કરી છે, જે સાબિત કરે છે કે આ સેક્ટરમાં દેશભરમાં રુચિ વધી છે. પાછલાં 9 વર્ષમાં દેશના ઈનલેન્ડ ફિશરીઝ સેક્ટરમાં ત્રણ ગણો વધારો થયો છે. માછીમારોને બોટ માટે પેટ્રોલ-ડીઝલ સબસીડી સહિત ગેસ સિલિન્ડર, કિસાન ક્રેડિટ કાર્ડ સહિત ટ્રાન્સપોન્ડર્સ વગેરે પૂરા પાડીને કેન્દ્ર અને રાજ્ય સરકાર મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સતત પ્રયાસરત છે.

ઈસરો દ્વારા નિર્મિત ટ્રાન્સપોન્ડર્સ સાગરખેડુઓને સમુદ્રમાં લોકેશન શોધવામાં તથા ફિશકેચ એરિયાઓને (વધુ માછલી ધરાવતા વિસ્તારો) ઓળખવામાં મહત્વના સાબિત થશે, જે તેમનો મહત્વપૂર્ણ સમય બચાવશે. આ ઉપરાંત, તેઓ આ ટ્રાન્સપોન્ડર્સની મદદથી પોતાના પરિવારજનો, કોસ્ટ ગાર્ડ અને વિવિધ ઓથોરિટીઝના પણ સંપર્કમાં રહી શકશે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય 1600 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. ગુજરાત રાજ્ય દેશમાં મરીન ફિશ પ્રોડક્શનમાં સૌથી આગળ છે તથા રૂ. 5000 કરોડથી વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ પણ ગુજરાત કરે છે. દેશના ફિશ એક્સપોર્ટમાં રાજ્યનું 17% જેટલું યોગદાન છે. આથી જ ગુજરાત આ ગ્લોબલ કોન્ફરન્સના આયોજન માટે શ્રેષ્ઠ સ્થળ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશના અર્થતંત્રમાં મત્સ્યોદ્યોગ વિભાગના યોગદાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બન્યું છે. છેલ્લાં 9 વર્ષમાં આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રમાં બ્લૂ ઇકોનોમીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2014થી વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વના પરિણામે મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન ક્ષેત્રે વિકાસ થકી ખરા અર્થમાં બ્લૂ રિવોલ્યુશન આવ્યું છે. 3 કરોડથી વધુ લોકો જોડાયેલા છે તેવા મત્સ્યોદ્યોગ વિભાગનું પહેલા કોઈ અલગ મંત્રાલય નહોતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં પ્રથમ વખત અલગ મત્સ્યોદ્યોગ મંત્રાલય સ્થપાયું છે, એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સાગરખેડૂઓના સર્વાંગી વિકાસ માટે સાગરખેડૂ વિકાસ યોજનાશરૂ કરાવેલી, જે ખૂબ સફળ રહી છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત હંમેશાં પોલીસી ડ્રીવન સ્ટેટરહ્યું છે. રાજ્યમાં બ્લૂ ઈકોનોમી, ફિશરમેન અને ફિશ કોમર્સને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પોલિસી અમલી છે. ફિશ ફાર્મર્સને બેકીશ વોટર લેન્ડ લીઝ પર આપવા માટે ગુજરાત એકવાકલ્ચર લેન્ડ લીઝ પોલિસીઅમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત, ઈનલેન્ડ રિઝરવોયર લીઝિંગ પોલિસી પણ બનાવવામાં આવી છે. રાજ્યમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેકવિધ વિકાસ પ્રકલ્પો અને પોલિસી  થકી 2021-22 માં 80 લાખ મેટ્રિક ટન કરતા વધુ ફિશ પ્રોડક્શન થયું તથા 2 લાખ મેટ્રિક ટન ફિશ એકસપોર્ટ કરવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે પીએમ ગતિશક્તિ સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું ઇન્લેન્ડ રિઝર્વોયર લીઝ પોર્ટલ -અંર્તદેશીય મત્સ્ય જળાશય પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું, જે રાજ્યના માછીમારોને ઉપયોગી થશે અને પારદર્શકતા વધશે. વર્લ્ડ ફિશરીઝ ડે નિમિત્તે આજે  ઘોલ માછલીને ગુજરાત રાજ્યની સ્ટેટ ફિશજાહેર કરવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

દેશમાં પ્રથમ વખત માછીમારી સાથે સંકળાયેલા વ્યવસાયકારો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા. જેના દ્વારા તેમને વેપાર વૃદ્ધિ માટે ટોકન દરે બેંક લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દેશમાં કોસ્ટલ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે સાગરમાલાપરિયોજના શરૂ કરવામાં આવી છે, જે હેઠળ રોડ-રસ્તા, વીજળી, પોર્ટ કનેક્ટિવિટી સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે કાર્યો કરવામાં આવે છે.

મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પો વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશમાં ઇનલેન્ડ ફિશ પ્રોડક્શન અને એક્વાકલ્ચરને પ્રોત્સાહન આપવા માટે રુ. 75000 કરોડનું અનુદાન પૂરું પાડવામાં આવ્યું છે. જેના લીધે દેશમાં ફિશ પ્રોડક્શન બમણું થયું છે.

સહકાર ક્ષેત્ર અંગે વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘સહકાર સે સમૃદ્ધિના મંત્ર સાથે દેશમાં સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું. જે અંતર્ગત દેશમાં 25000થી વધુ કો- ઓપરેટિવ સોસાયટીઓ આ ક્ષેત્રે કાર્યરત છે. જેના દ્વારા માછીમારો અને મત્સ્ય ઉદ્યોગોને ફિશ પ્રોસેસિંગ, ફિશ સ્ટોરેજ, ફિશ ડ્રાયિંગ સહિતના કાર્યો માટે રોકાણ અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ તકે વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશ આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. માનનીય વડાપ્રધાનના 2047 સુધી દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવામાં ફિશરીઝ સેકટર અને બ્લૂ ઈકોનોમીનું મહત્વનું યોગદાન રહેવાનું છે, એવું તેમણે ઉમેર્યું હતું.