ભાવનગરઃ જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન સોરોએવો વરસાદ પડ્યો હતો. તેના લીધે જિલ્લાના તમામ નદી-નાળાં, તળાવો છલકાઈ ગયા હતા. તમામ નાના મોટા ડેમો ભરાઈ જવાથી ખેડુતો હરખાઈ ગયા હતા. અને એવી આશા બંધાણી હતી કે, ઉનાળામાં સિચાઈ માટેનું પુરતું પાણી મળી રહેશે. પણ શિયાલો પુરો થવાની તૈયારી છે, ત્યારે મોટાભાગના નાના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા હમીરપરા, પીંગળી અને મામસી ડેમ શિયાળામાં જ તળીયા ઝાટક સ્થિતિમાં આવી ગયા છે. જેથી આ નાના ડેમ આધારીત ખેતીને પિયત મળી શકતું નથી જેથી આ વિસ્તારમાં આવતા 25 જેટલા ગામોને રવિ સીઝનમાં સિંચાઈ માટેના પાણીના ફાંફા પડ્યા હતા.. સિંચાઇ વિભાગ દ્વારા આગામી સમયમાં સૌની યોજના હેઠળ શેત્રુંજી જળાશયમાં પાણી છોડવાના સુચિત કાર્યક્રમની સાથે તળાજાના નાના ડેમોને પણ આ યોજનાનો લાભ મળે તે માટે દિહોર વિસ્તારના જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્યા નિર્મળાબેન જાનીએ મુખ્ય મંત્રી સહિત સિંચાઇ વિભાગને પત્ર લખીને માગણી કરી છે..
સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના સિંચાઇ વિભાગ દ્વારા જિલ્લાની જીવા દોરી સમાન શેત્રુંજી જળાશયમાં ગત વર્ષે આંશિક રીતે પ્રાયોગિક ધોરણે સૌની યોજના હેઠળ પાણી ભરવાનું શરૂ કરાયુ હતુ છતાં પણ ચોમાસાના અંતે શેત્રુંજી જળાશય 32.6 ઇંચ સુધી જ પાણીથી ભરાયો હતો. આગામી સમયમાં સૌની યોજનાનો વિસ્તાર કરીને શેત્રુંજી ડેમ ઉપરાંત તળાજા તાલુકાનાં હમીરપરા પીંગળી અને મામસી સહિત નાના ડેમોને આવરી લેવામાં આવે તો દિહોર – રાજપરા વિસ્તારના બાખલકા, નાની મોટી માંડવાળી, દિહોર, ભદ્રાવળ, મામસી હમીરપરા, સમઢીયાળા, ચુડી, સાંખડાસર નં 2, પાંચ પીપળા સહિતનાં ઘણા ગામોની 50 ટકાથી વધુ જમીનને શેત્રુંજી જળાશય આધારિત નહેર યોજનાનો લાભ મળતો ન હોય શેત્રુંજી ડેમ બાદ નાના ચેકડેમોને પણ આ યોજના હેઠળ લીંક 2 માં સમાવેશ કરવામાં આવે તો આ વિસ્તારની હજારો એકર જમીન લાલીછમ રહે તેમ છે. પીયત વંચિત ગામોને લાભાર્થે નાના ચેકડેમને સૌની યોજનાનો લાભ આપવામાં આવે તેવી લોક લાગણી છે. (file photo)