નવી દિલ્હી, 17 જાન્યુઆરી 2026: રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં શનિવારે સવારે પ્રકૃતિ અને પ્રદૂષણનો બેવડો પ્રહાર જોવા મળ્યો હતો. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્યની નજીક પહોંચી જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. બીજી તરફ, પ્રદૂષણનું સ્તર પણ અત્યંત જોખમી ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગયું છે, જેના કારણે પ્રશાસને પ્રતિબંધો વધુ કડક બનાવ્યા છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એનસીઆરમાં સવારના સમયે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી રહી હતી. લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડતા કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ધુમ્મસને કારણે રસ્તાઓ પર વાહનોની ગતિ થંભી ગઈ હતી અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પ્રદૂષણનો ગ્રાફ: દિલ્હી-NCR ગેસ ચેમ્બર બન્યું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ, દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) 400 થી 450 ની વચ્ચે નોંધાયો છે. આનંદ વિહારમાં સૌથી વધારે 450, ચાંદનીચોરમાં 435, ગાઝિયાબાદના વસુંધરામાં 437, નોઈડાના સેક્ટર-1માં 418 એક્યુઆઈ નોંધાયો હતો. નોઈડા અને ગાઝિયાબાદના પણ મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 350 થી ઉપર નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.
હવાની ગુણવત્તા સતત બગડતા પ્રશાસને ‘ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન’ના ત્રીજા તબક્કાના નિયમો કડક રીતે લાગુ કર્યા છે. આગામી દિવસોની આગાહી હવામાન વિભાગ મુજબ, 18 અને 19 જાન્યુઆરીએ ધુમ્મસની તીવ્રતામાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ ઠંડીનું જોર યથાવત રહેશે. હાલમાં દિલ્હી અને આસપાસના રહેવાસીઓ ઠંડી, ધુમ્મસ અને ઝેરી હવાની ત્રિપુટી સામે ઝઝૂમી રહ્યા છે.
આ પણ વાંચોઃ સિંગર બી પ્રાકને મારી નાખવાની ધમકી મળી: ખંડણીની માંગણી

