દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિર નિર્માણ માટે દેશભરમાંથી મદદ લેવામાં આવી રહી છે. દરમિયાન અત્યાર સુધીમાં રૂ. 500 કરોડની નિધિ એકત્રિત થયાનો રામ મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચોપાજીએ અંદાજ વ્યક્ત કર્યો છે. તેમજ તેમણે રામ મંદિરના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણીની ભૂમિકાના વખાણ કર્યાં હતા. તેમણે મંદિર નિર્માણ માટે નરેન્દ્ર મોદીને કૃષ્ણ અને અડવાણીએ અર્જુનની ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિની જગ્યાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો એને અનેક રાજનૈતિક પાર્ટીઓએ આવકાર્યો છે. આ મુદ્દો ભાજપના સંઘર્ષનો લાંબો ઇતિહાસ રહ્યો છે. 1984ના લોકસભાના ઇલેક્શનમાં ભાજપને માત્ર 2 સીટ પર જ જીત મળી હતી, ત્યાર બાદ પાર્ટીએ નક્કી કર્યા મુજબ રામમંદિરના મુદ્દાને લઈને પ્રચાર કરવાનું શરૂ કર્યું હતું. રામ મંદિર નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષ્ણની ભૂમિકા જ્યારે અડવાણીએ અર્જુનની ભૂમિકા ભજવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિર નિર્માણ માટે દેશભરમાં સેવકો દ્વારા આર્થિક મદદ લેવામાં આવી રહી છે. ગુજરાતમાં મંદિર નિર્માણ માટે રૂ. 100 કરોડથી વધારેનું દાન મળ્યું છે. મંદિર નિર્માણ માટે મોટી સંખ્યામાં ભક્તો ખુલ્લા મને દાન કરી રહ્યાં છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સમગ્ર દેશમાં લોકો પાસેથી મદદ માંગી રહ્યાં છે. દેશમાં લગભગ 11 કરોડ પરિવાર પાસેથી મદદ લેવામાં આવશે.

