Site icon Revoi.in

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશાયી, 26 વ્યક્તિઓ ફસાઈ

Social Share

અમદાવાદઃ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મણિનગર વિસ્તારમાં એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થવાની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં આજે સતત બીજા દિવસે ગોમતીપુર વિસ્તારમાં જર્જરિત ક્વાટર્સનો કેટલોક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 25થી વધારે લોકો ફસાયાં હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી હતી. આ આવાક લગભગ સાત દાયકા જૂના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ દૂર્ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી જુની આવાક યોજનાના સી બ્લોકમાં લગભગ 32 મકાન આવેલા છે. દરમિયાન ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. જેથી ઉપરના મકાનોમાં રહેતા લોકો ફસાઈ ગયા હતા. આ બનાવની ફાયરબ્રિગેડની જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઉપર ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાની કવાયત શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે રેસ્ક્યૂ લેડર દ્વારા તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઈમારત લગભગ 70 વર્ષ જૂનું છે અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. આ દૂર્ઘટના બાદ હવે મોટાભાગના લોકો આ આવાસમાં રહેવા માંગતા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શહેરના મણિનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની બાલ્કનીનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. દરમિયાન આજે ફરી એકવાર જર્જરિત બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશાયી થતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ મનપા દ્વારા આવી જર્જરિત બિલ્ડીંગોને શોધીને અહીં વસવાટ કરતા લોકોને સાબદા રહેવાની તાકીદ કરવા કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.