- સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને 1000 વર્ષ તેમજ પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તારીખ 08 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી 2026 દરમ્યાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ઉજવાશે
- તા.11 મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સોમનાથ ખાતે ભવ્ય રોડ-શો યોજાશે અને ત્યાર બાદ જંગી જાહેરસભાને સંબોધશે
- રાજ્યના 243 શિવ મંદિરોમાં તા. 8 થી 10 જાન્યુઆરી દરમિયાન 72 કલાક સુધી અખંડ શિવ ધૂન, શિવજીની આરતી, ભજન-કીર્તન તેમજ રુદ્રાભિષેક કરવામાં આવશે તેમજ 1000થી વધુ મંદિરોમાં એક દિવસીય શિવ આરાધના યોજાશે
- ‘સોમનાથ સ્વાભિમાન પર્વ-2026’નો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મની અખંડ આસ્થા, સહનશીલતા અને શક્તિને નવી પેઢી સુધી પહોંચાડવાનો તેમજ સોમનાથ મંદિરના રક્ષણ માટે ત્યાગ-તપશ્ચર્યા અને બલિદાન આપનારાઓનું સ્મરણ કરવાનો છે
ગાંધીનગર, 8 જાન્યુઆરી, 2026 – Somnath Swabhiman Parva સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે આખું ગુજરાત આજથી ત્રણ દિવસ સુધી શિવમય બનશે. સોમનાથ મંદિરના ભવ્ય ઐતિહાસિક વારસાને ઉજવવાના ભાગરૂપે યાત્રાધામ સોમનાથ સહિત આખા ગુજરાતમાં તે નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે.
આ સંદર્ભે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માએ સોમનાથ પર્વ – 2026ના કાર્યક્રમ સંદર્ભે જણાવ્યું હતું કે, ભારતની અખંડ આસ્થા, અડીખમ સ્વાભિમાન અને સનાતન સંસ્કૃતિના પ્રતીક સમાન સોમનાથ મહાદેવ મંદિર પર છેલ્લા 1,000 વર્ષ દરમિયાન થયેલા વારંવારના આક્રમણો થવા છતાં પણ અડગ રહીને ઉભેલું સોમનાથ મંદિર ભારતીય સંસ્કૃતિની અતૂટ શ્રદ્ધા અને અવિસ્મરણીય શક્તિનું જીવંત પ્રતીક છે. પ્રથમ આક્રમણને 1,000 વર્ષ તથા મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ને યાદગાર બનાવવા માટેનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વની ઉજવણી તારીખ 08 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી 2026 દરમ્યાન રાજ્ય અને દેશવ્યાપી સ્તરે કરવામાં આવશે.
જુઓ વીડિયો…
‘સોમનાથ સ્વાભિમાન પર્વ-2026’નો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મની અખંડ આસ્થા, સહનશીલતા અને શક્તિને નવી પેઢી સુધી પહોંચાડવો, સોમનાથ મંદિરના રક્ષણ માટે જીવન સમર્પિત કરનાર બલિદાનોનું સ્મરણ કરવું તથા રાષ્ટ્રના સાંસ્કૃતિક સ્વાભિમાનને વધુ મજબૂત બનાવવાનો છે.
શું છે વડાપ્રધાનનો કાર્યક્રમ?
તા.11 મી જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ સોમનાથ ખાતે “સોમનાથ સ્વાભિમાન પર્વ -2026” ના કાર્યક્રમમાં જોડાશે જ્યાં તેમનો ભવ્ય રોડ – શો તેમજ જંગી જાહેર સભાને સંબોધન કરશે. સાથે જ આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનઓ, સમાજના શ્રેષ્ઠીઓ અને નાગરિકો જોડાશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર સ્થિત પૌરાણિક ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતીકાલે 8 જાન્યુઆરી ગુરુવારના રોજ સવારે 09.00 કલાકે પૂજા-અર્ચનામાં જોડાઇ 72 કલાકની અખંડ આરાધનાનો શુભારંભ કરાવશે. તા. 8 થી 10 જાન્યુઆરી આ 72 કલાક દરમ્યાન ગુજરાતનાં 243 જેટલા શિવ મંદિરોમાં પૂજા-અર્ચના, ભજન-કીર્તન, રુદ્રાભિષેક અને વિશેષ આરાધનાનું આયોજન કરવામાં આવશે અને 1,000 થી વધુ શિવમંદિરોમાં એક દિવસય શિવ આરાધના કાર્યક્રમ યોજાશે. સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો તથા ભાજપના અગ્રણીઓ જુદા-જુદા શિવમંદિરોમાં ઉપસ્થિત રહી શિવજીની આરાધના કરશે.

