Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતઃ ઉનાળામાં લોકોને નહીં નડે પાણીની સમસ્યા, ઉકાઈમાં 49 ટકા પાણીનો જથ્થો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં પાણીની સમસ્યાઓ ઉભી થવા પામી છે. દક્ષિણ ગુજરાતથી મોટા રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ પણ 49% જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે આવનારા  એક વર્ષ સુધી આ વિસ્તારની પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા પૂરતો છે. જેથી દક્ષિણ ગુજરાતની જનતાને મોટી રાહત મળશે.

સમગ્ર દક્ષિણ ગુજરાતના પીવાના પાણી સહિત ખેતી તેમજ ઉદ્યોગોને પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત સમાન ઉકાઈ ડેમમાં ઉનાળા દરમ્યાન પણ 49 ટકા જેટલો પાણીનો લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ છે. હાલ ડેમની  સપાટી 322 ફૂટ પર છે. જે આવનારા ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધી પર્યાપ્ત જથ્થો પીવાના પાણી સહિત ખેતી અને ઉદ્યોગો માટે  ઉપલબ્ધ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

ઉનાળાના આરંભ સાથે જ આકાશમાંથી કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાક સ્થળો ઉપર પાણીની બુમો ઉભી થઈ છે. ઉનાળામાં પાણીનો વપરાશ વધી જાય છે. જેના પરિણામ સ્વરૂપે જળાશયોમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. બીજી તરફ રાજ્યની જનતાને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ હાલ પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેથી રાજ્યની જનતાને ઉનાળાની ગરમીના દિવસોમાં પાણી માટે વલખા નહીં મારવા પડે.