Site icon Revoi.in

લો બોલો, હવે વડનગરમાં પણ પાલિકા કચેરીનું નામ નરેન્દ્ર મોદી રાખવા લોકોની માંગણી

Social Share

અમદાવાદઃ શહેરમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવ્યું છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમટાઉન વડનગરમાં નગરપાલિકાની ઈમારતનું નામ નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સેવાસદન કરવાની માંગણી ઉઠી છે. એટલું જ નહીં પુસ્તકાલય પાસે આવેલા ચોકને નરેન્દ્ર મોદી ચોક નામ આપવાની માંગણી કરવામાં આવી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના છે અને વડનગર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક યાદો જોડાયેલી છે. તેમજ વડનગર રેલવે સ્ટેશન પર ચાની કીટલી પર ચા વેચવાની વાત દેશભરની સાથે વિદેશોમાં જાણીતી છે. તેથી જ વડનગર નગરપાલિકાનું નામ નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સેવાસદન કરવા માંગ ઉઠી છે. સ્થાનિકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સેવાસદન સાથે નરેન્દ્ર મોદીનું નામ જોડવા માંગ કરી છે. આ સાથે જ વડનગર પુસ્તકાલય પાસે આવેલા ચોકને નરેન્દ્ર મોદી ચોક આપવા પણ માંગ કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક એવો અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમનું સાકાર થયું છે. તેમજ આ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે.