Site icon Revoi.in

રાષ્ટ્રીય રમત પુરસ્કારોની અરજીઓનો રમત મંત્રાલયમાં થયો ભરાવો, રેકોર્ડ બ્રેક અરજીઓ આવી

Social Share

નવી દિલ્હી: આ વર્ષે પણ સ્પોર્ટ્સ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ વખતે સ્પોર્ટ્સ એવોર્ડ માટે દેશભરમાંથી જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે. રમત મંત્રાલયમાં અરજીઓનો ભરાવો થઇ રહ્યો છે. એક અહેવાલ અનુસાર, લગભગ 600 ખેલાડીઓ અને કોચે ખેલ રત્ન, અર્જુન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર અને ધ્યાનચંદ પુરસ્કાર માટે પોતાના નામ મોકલ્યા છે. આ અનુસાર, ગત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. મંત્રાલયના અધિકારીઓ આ અરજીઓ પર નજર રાખી રહ્યા છે.

મેજર ધ્યાનચંદ, ખેલરત્ન એવોર્ડ માટે કુલ 35 અરજીઓ આવી છે. અર્જુન એવોર્ડ માટે 215 અરજીઓ પ્રાપ્ત થઇ છે, જ્યારે મંત્રાલયના નિયમો આ એવોર્ડ માટે 15 ખેલાડીઓને નામાંકિત કરવાનું કહે છે. એ જ રીતે દ્રોણાચાર્ય એવોર્ડ માટે 100 અરજીઓ આવી છે. મંત્રાલયને ધ્યાનચંદ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્જ માટે 138 અરજીઓ મળી છે.

આપને જણાવી દઇએ કે આ વર્ષે ઓલિમ્પિકન અને પેરાલિમ્પિક બંને રમતો જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાઇ હતી. ભારતીય ખેલાડીઓએ આ બંને રમતોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ભારતે ઓલિમ્પિકમાં 7 અને પેરાલિમ્પિક્સમાં 19 મેડલ જીત્યા હતા. આ બંને રમતોમાં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. પુરસ્કારની રકમમાં વધારો પણ અરજીઓમાં ઘસારાનું એક કારણ હોઇ શકે છે.

ખેલ રત્ન એવોર્ડ (Khel Ratna Award) માટેની ઇનામની રકમ ગયા વર્ષે વધારી હતી અને તેને 7.5 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી હતી. અર્જુન એવોર્ડ માટે 15 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. જે અગાઉની રકમ કરતાં 10 લાખ વધારે હતી.