Site icon Revoi.in

વર્લ્ડકપમાં ભારત સામે કારમા પરાજ્ય બાદ શ્રીલંકા ક્રિકેટમાં ભારે ઉથલપાથલ

Social Share

બેંગ્લોરઃ વર્લ્ડ કપમાં ભારત સામેની શરમજનક હાર બાદ શ્રીલંકાના રમતગમત મંત્રી રોશન રણસિંઘે રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડને વિખેરી નાખ્યું છે. મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપોને લઈને શ્રીલંકા ક્રિકેટ સાથે રોશન રણસિંઘેનો મહિનાઓથી વિવાદ ચાલે છે. દેશના 1996 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગાને નવા વચગાળાના બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમ રાણાસિંઘેના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. નિવેદન અનુસાર, રમત મંત્રી રોશન રણસિંઘેએ શ્રીલંકા ક્રિકેટ માટે વચગાળાની સમિતિની રચના કરી છે.

સાત સભ્યોની નવી પેનલમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અને બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષનો પણ સમાવેશ થાય છે. બોર્ડના બીજા સર્વોચ્ચ અધિકારી સેક્રેટરી મોહન ડી સિલ્વાએ રાજીનામું આપ્યાના એક દિવસ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે વર્લ્ડ કપમાં યજમાન ભારત સામે શ્રીલંકાની 302 રને હાર બાદ રણસિંઘે જાહેરમાં સમગ્ર બોર્ડના રાજીનામાની માંગ કરી હતી. ભારતના 358 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતા શ્રીલંકાએ એક સમયે 14 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી અને તે 55 રનમાં સમેટાઈ ગઈ હતી, જે વિશ્વ કપના ઈતિહાસમાં ચોથો સૌથી ઓછો સ્કોર છે. આ હારથી લોકોમાં રોષ ફેલાયો હતો અને શનિવારે વિરોધ પ્રદર્શન બાદ કોલંબોમાં બોર્ડ ઓફિસની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી હતી.

રણસિંઘેએ કહ્યું હતું કે, શ્રીલંકાના ક્રિકેટ અધિકારીઓને પદ પર ચાલુ રાખવાનો કોઈ નૈતિક અધિકાર નથી. બોર્ડ અધિકારીઓએ સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ. તેમણે અગાઉ બોર્ડ પર દેશદ્રોહી અને ભ્રષ્ટાચારી હોવાનો આરોપ લગાવ્યો હતો.