Site icon Revoi.in

ગુજરાતના એસટીના કર્મચારીઓને 42 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે, સરકારે કર્યો નિર્ણય

Social Share

અમદાવાદઃ ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે અગાઉ રાજ્ય સરકારને રજુઆતો કરવામાં આવી હતી. રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓની જેમ જ એસટી નિગમના કર્મચારીઓને પણ 42% મોંઘવારીનો લાભ આપવાની માંગણી સાથે કર્મચારીઓની સંકલન સમિતિએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ઉપરાંત મોંઘવારી ભથ્થા સહિતની અન્ય માંગણીને લઈને વિરોધ કાર્યક્રમ પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેથી ભાગરૂપે હવે એસટી નિગમના કર્મચારીઓને પણ 42 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ આપવા સરકારે સહમતી દર્શાવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓને સરકારી અન્ય કર્મચારીઓ જેવા લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા હતા. જેમાં મોંઘવારી ભથ્થાના લાભના મામલે એસટી નિગમના કર્મચારીઓને અન્યાય કરવામાં આવી રહ્યો હતો. તેમાં રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓને 42 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળતો હતો. જ્યારે એસટી નિગમના કર્મચારીઓને 38 ટકા જ મોંઘવારી ભથ્થાનો લાભ મળતો હતો. આથી એસટી નિગમના કર્મચારીઓમાં વિરોધનો સૂર ઊઠ્યો હતો, અને આ મુદ્દે રાજ્ય સરકારે અગાઉ રજુઆતો પણ કરી હતી. ઉપરાંત એસટી નિગમના કર્મચારીઓના અલગ અલગ ત્રણ યુનિયનો એ પણ આ મામલે આંદોલન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે અલગ અલગ આંદોલન કરવા તેના કરતાં ત્રણેય યુનિયનોની એક સંકલન સમિતિની રચના કરીને મોંઘવારી ભથ્થાનો લાભ આપવા સહિતના મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીને લેખિત રજૂઆત કરી હતી. જોકે એસટી નિગમના કર્મચારીઓની સંકલન સમિતિ દ્વારા સતત ચારેક વર્ષ સુધી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી સહિતના પડતા પ્રશ્નો ઉકેલવામાં આવતા નહીં હોવાથી કર્મચારીઓની ધીરજ ખોટી પડી હતી. જેને પરિણામે કર્મચારીઓની સંકલન સમિતિ દ્વારા એસટી બસના પૈડા થંભાવી દેવા સહિતના લડત કાર્યક્રમની ચિમકી ઉચ્ચારી હતી. જોકે એસટી કર્મચારીઓને લડતને ધ્યાનમાં રાખીને નિગમના કર્મચારીના પ્રશ્નોને તબક્કાવાર ઉકેલવામાં આવી રહ્યા છે.