Site icon Revoi.in

બિમસ્ટેક એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નવી દિલ્હીમાં બિમસ્ટેક એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2024ની શરૂઆત કરી હતી. બિમસ્ટેક એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે. આ પ્રસંગે અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું કે, “વિશ્વની 25 ટકા વસતિ દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાનાં વિસ્તારોમાં વસે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 7 બિમસ્ટેક દેશોના એક સાથે આવવાથી બંગાળની ખાડીનો વિસ્તાર માત્ર મુસાફરી અને પરિવહન માટે વપરાતો પ્રદેશ જ નહીં પરંતુ પ્રગતિ, વિકાસ અને સહયોગનું ક્ષેત્ર પણ બની જાય છે.

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, તેનાથી ગાઢ મિત્રતામાં જ નહીં, પણ રમતગમતની સંસ્કૃતિનું નિર્માણ કરવામાં પણ મદદ મળશે, જે રમતવીરો વચ્ચેની મિત્રતાને પણ ગાઢ બનાવવામાં મદદ કરશે અને આ જ વિચાર આપણા માનનીય પ્રધાનમંત્રીએ નેપાળમાં શિખર સંમેલનમાં આ રમતોત્સવની જાહેરાત કરતી વખતે કલ્પના કરી હતી.”

ઈતિહાસમાં આ સંસ્થા પહેલીવાર રમતગમતની સ્પર્ધાનું આયોજન કરી રહી છે જેનું આયોજન ભારતમાં થઈ રહ્યું છે. આ માટેની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં ચોથી બિમસ્ટેક સમિટ દરમિયાન કરી હતી, જેમાં તેમણે ભારતમાં બિમસ્ટેક યુથ વોટર સ્પોર્ટ્સ સ્પર્ધા યોજવાની જાહેરાત કરી હતી. શરૂઆતમાં આ કાર્યક્રમની દરખાસ્ત વર્ષ 2021 માટે કરવામાં આવી હતી, જો કે, બાદમાં વિશ્વભરમાં કોવિડ-19 રોગચાળો ફાટી નીકળવાના કારણે તેને 2024 સુધી મુલતવી રાખવામાં આવી હતી.

ઉદઘાટન સમારંભમાં કેન્દ્રીય રમતગમત મંત્રીની સાથે યુવા બાબતો અને રમતગમત મંત્રી નેપાળનાં મંત્રી દિગ બહાદુર લિમ્બુ અને ઇન્દ્ર મણિ પાંડે, સેક્રેટરી જનરલ, બિમસ્ટેકનાં હાઈ કમિશનર્સ અને બિમસ્ટેકનાં ભારત ખાતેના રાજદૂતો ઉપરાંત વિવિધ દેશો અને ભારત સરકારનાં મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રથમ બિમસ્ટેક એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 6 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી 2024 સુધી દિલ્હીના ડો. શ્યામા પ્રસાદ મુખર્જી સ્વિમિંગ પૂલ કોમ્પ્લેક્સમાં યોજાઇ રહી છે, જેમાં સ્વિમિંગ, વોટર પોલો અને ડાઇવિંગ ઇવેન્ટમાં 20 વર્ષથી ઓછી વય વર્ગ માટે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણ રમતોત્સવમાં કુલ 39 ચંદ્રકો આપવામાં આવશે અને તેની સાથે કુલ 9 ટ્રોફીઓ દાવ પર લાગશે. આ ઈવેન્ટ્સમાં 500થી વધુ જવાનોની અપેક્ષા છે, જેમાં બિમસ્ટેકના વિવિધ સભ્ય દેશોના 268 એથ્લીટ્સનો પણ સમાવેશ થાય છે. બિમસ્ટેક (ધ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટિ-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન) દક્ષિણ અને દક્ષિણ એશિયાના પાંચ સભ્યો (બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, નેપાળ અને શ્રીલંકા) અને દક્ષિણ-પૂર્વ એશિયા (મ્યાનમાર અને થાઇલેન્ડ)ના બે સભ્યો સાથે એક વિશિષ્ટ કડી છે.