Site icon Revoi.in

ડીસા પંથકમાં નવા બટાકાની સિઝનનો પ્રારંભ, યાર્ડમાં પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં નારાજગી

Social Share

ડીસાઃ ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠાના ડીસા પંથકમાં બટાકાનું ઉત્પાદન થાય છે. આ વર્ષે સારા વરસાદને કારણે ખેડુતોએ બટાકાનું સારૂએવું વાવેતર કર્યું હતું. જો કે વારંવાર બદલતા મોસમના મિજાજની વિપરીત અસર બટાટાના ઉત્પાદન પર થઈ હતી.  તેથી સારા ઉપજની ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. તેમજ યાર્ડમાં નવા બટાકાના પાકની આવક શરૂ થતાં હરાજીનો પ્રારંભ થોય છે. પણ સારા ભાવ ન મળવાને કારણે ખેડુતોમાં નારાજગી જોવા મળી રહી છે.

ગુજરાતમાં બટાટાનું સૌથી વધુ વાવેતર ડીસા પંથકમાં થાય છે. આ વર્ષે પણ બટાકાનું સારૂએવું વાવેતર કરવામાં આવ્યું હતુ. જો કે  કુદરતી પ્રકોપ કારણે બટાકાની ખેતી પર વિપરીત અસર થઈ રહી છે. તેથી બટાટાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત પણ દયનીય બની રહી છે. આ વર્ષે પણ સારું ઉત્પાદન મળશે તેવી આશાએ બનાસકાંઠા જિલ્લામાં 52 હજાર હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું હતું. જેમાંથી 36 હજાર હેક્ટર માત્ર ડીસા પંથકમાં જ ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું. એક વીઘામાં અંદાજિત 170થી 180 કિલો જેટલા બટાટાનું એવરેજ ઉત્પાદન થાય છે,  પરંતુ આ વર્ષે વારંવાર વાતાવરણમાં પલટો રહ્યો હતો અને ઠંડી પણ જોઈએ તેવી પડી નથી. જેની સીધી અસર બટાટાના ઉત્પાદન પર થઈ છે અને તેથી પૂરતા પ્રમાણમાં અને યોગ્ય સાઈઝના બટાટા ન થતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા નથી.

બટાટાની ખેતી અંગે ખેડૂતોના કહેવા મુજબ ગત વર્ષે પણ કમોસમી માવઠાના કારણે બટાટાનું વાવેતર નિષ્ફળ ગયું હતું અને કેટલાય હેક્ટરમાંથી ખેડૂતોએ વાવેલા બટાકા નીકાળી દીધા હતા. ત્યારબાદ આ વર્ષે પણ સારો ભાવ મળશે તેવી આશાએ સારા પ્રમાણમાં વાવેતર કરાયું હતુ.  પરંતુ પ્રતિકૂળ વાતાવરણને કારણે  પૂરતુ અને યોગ્ય ઉત્પાદન ન થતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ડીસા માર્કેટયાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યારે ડીસા માર્કેટયાર્ડમાં પણ બટાકા ખરીદવાની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતોને 20 કિલોના અંદાજિત 150 રૂપિયા જેટલો ભાવ મળે છે. પરંતુ ખેડુતો વધુ ભાવની આશા રાખી રહ્યા છે. ખેડૂતોને બટાટામાં પોષણ ભાવ ન મળતા હવે ખેડૂતો બટાટાની ખેતીથી કંટાળી ગયા છે. ત્યારે આવનાર સમયમાં ક્યાંક ખેડૂતો બટાટાની ખેતી છોડી અન્ય ખેતી તરફ વળે અથવા તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે.