Site icon Revoi.in

ક્ષત્રિયો સામે પોલીસ દમન બંધ કરો, રાજકોટમાં કમલમ્ ખાતે ક્ષત્રિય આગેવાનોએ કરી રજુઆત

Social Share

રાજકોટઃ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો વિવાદ હજુ શમ્યો નથી. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પાઘડી કાઢી નાખવાના મુદ્દે તેમજ જામનગરમાં ભાજપના વિરોધમાં કાળા વાવટા બતાવતી ક્ષત્રિય સમાજની મહિલાઓને ઢસડીને પકડવામાં આવી હતી. જેના વિરોધમાં ગુરૂવારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજની 15 સંસ્થાઓના આગેવાનોએ શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી. અને પોલીસ દમન બંધ કરવામાં આવે નહીં તર જોવા જેવી થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. ક્ષત્રિય આગેવાનોએ પોલીસ દમન બંધ કરાવવા રાજ્ય સરકારને ધ્યાન દોરવા રજૂઆત કરી હતી. જ્યારે બીજી તરફ  શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર ભાજપના કાર્યકર્તાના સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલા હાજરી આપવા હોવાની માહિતી મળતા  ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીબા વાળા ત્યાં અન્ય બહેનો સાથે પહોંચી ગયા હતા. જેથી ત્યાં હાજર મહિલા પોલીસ સહિતના જવાનોએ ક્ષત્રિય સમાજની બહેનોને અટકાવી હતી. આ સમયે ક્ષત્રિય સમાજની મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેને પગલે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિતની મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ક્ષત્રિય સમાજ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતની પાઘડી ઉતારી નાખવામાં આવી અને જામનગરમાં કાળા વાવટા બતાવી વિરોધ કરતી મહિલાઓને ઢસડવામાં આવી હતી. આ પ્રકારનું પોલીસ દમન કરવામાં ન આવે તે માટે  રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુદેશ દોશીને રજૂઆત કરવામાં આવી હતી અને આ અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે એક પણ ગામડામાં કોઈપણ ભાજપનો માણસ પ્રચાર કરવા નહીં જઇ શકે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના પોસ્ટ ઉપર શ્યાહી ફેંકવામાં આવી તે મુદ્દે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે મને કોઇ ખ્યાલ નથી. કોઇ એક એસંતોષીએ આ કાર્ય કર્યું હોવાનું અનુમાન છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી એક જ અમારી માંગણી છે. આ બાબતે શહેર ભાજપને પણ રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટે કહેવામાં આવ્યું હતું.