વોશિંગ્ટન, 2 માર્ચ 2026: ઈરાન પર અમેરિકાના હુમલા અને સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈના મોતના વિરોધમાં પાકિસ્તાનના કરાચીમાં ફાટી નીકળેલી હિંસાના પડઘા હવે અમેરિકામાં પડ્યા છે. કરાચીમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ પર પ્રદર્શનકારીઓના હુમલાના પ્રયાસ બાદ અમેરિકાના જાણીતા કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ લોરા લૂમરે પાકિસ્તાની નાગરિકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોને ટેગ કરતા લોરા લૂમરે લખ્યું કે, “અમેરિકી વિદેશ વિભાગે પાકિસ્તાનીઓના તમામ વિઝા અને ગ્રીન કાર્ડ પણ શક્ય હોય ત્યાં સુધી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ.” તેમણે આ માંગ કરાચીમાં અમેરિકી દૂતાવાસની સુરક્ષામાં થયેલા ભંગ અને હિંસક અથડામણોને પગલે કરી છે.
લોરા લૂમરે પોતાના પોસ્ટમાં દાવો કર્યો છે કે, ઈરાની નેતાના મોતથી રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓ જ્યારે હાઈ-સિક્યોરિટી ઝોનમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે થયેલી કાર્યવાહીમાં 6 લોકોના મોત થયા છે અને 20થી વધુ ઘાયલ થયા છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, “અમેરિકી મરીન કમાન્ડોઝ દ્વારા દૂતાવાસ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહેલા તત્વો સામે જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે.” જોકે, આ ગોળીબાર અમેરિકી મરીન દ્વારા કરવામાં આવ્યો છે કે સ્થાનિક પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા, તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
પાકિસ્તાનની ટીકા કરતા લૂમરે ઉમેર્યું કે, આ એ જ દેશ છે જેણે ઓસામા બિન લાદેનને શરણ આપી હતી. તેમણે પાકિસ્તાન પર કટ્ટરપંથને પ્રોત્સાહન આપવાનો અને અમેરિકા તેમજ ભારત વિરુદ્ધ હિંસા ભડકાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. લોરા લૂમરની આ આક્રમક રજૂઆત પર અમેરિકી વિદેશ વિભાગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. બીજી તરફ, કરાચીમાં સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે અને અમેરિકી પ્રતિષ્ઠાનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ PM મોદી અને કેનેડિયન PM માર્ક કાર્ની વચ્ચે મુલાકાત, વ્યાપાર-ઊર્જા સહિતના મુદ્દે મંથન

