Site icon Revoi.in

અમદાવાદમાં SG હાઈવે પર ડમ્પર અને એક્ટિવા અકસ્માત સર્જાતા વિદ્યાર્થિનીનું મોત

Social Share

અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પર પુર ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. સોમવારે વહેલી સવારે એસજી હાઈવે પર ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં ગણપત યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદના એસ.જી હાઇવે પર ઝાયડસ બ્રિજ ઉપર સોમવારે વહેલી સવારે એક્ટિવા અને ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની પાછળના ભાગમાં એક્ટિવા અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક્ટિવા ચાલક વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. એક્ટિવા ચાલક વિદ્યાર્થિની નિકિતા પંચાલ ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવતા યુનિવર્સિટીના સ્ટાફને પણ અકસ્માત અંગેની જાણ કરવામાં આવી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  શહેરના એસજી હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. સવરના સમયે થોડા ટ્રાફિક ઓછો હોવાથી વાહનચાલકો ઝડપથી પોતાના વાહનો ચલાવતા હોય છે.અકસ્માતનો ભોગ બનેલી એક્ટિવા ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ અકસ્માતમાં બચી શકી ન હતી. બ્રિજની ઉપર રોડની સાઈડમાં રેતી ભરેલું ડમ્પર ઉભુ હતું કે આગળ તરફ જઇ રહ્યું હતું એને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.. અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી અકસ્માત કેવી રીતે થયો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. અને ડમ્પરચાલકને પકડવા તજવીજ હાથ ધરી હતી.