Site icon Revoi.in

શાળાઓમાં વિદ્યાર્થીઓ ગમે તે કલરના સ્વેટર, ગરમ કપડાં પહેરી શકશે, સ્કૂલોની મનમાની નહીં ચાલે,

Social Share

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જાય છે. ઠંડીથી બચવા શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓ સ્વેટર સહિત ગરમ વસ્ત્રો પહેરીને આવતા હોય છે. ત્યારે કેટલીક શાળાઓ નક્કી કરેલા યુનિફોર્મના કલર મુજબ સ્વેટર પહેરીને આવવાની ફરજ પાડી રહ્યા હતા. આ અંગેની ફરિયાદો ઉઠતા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ એવી તાકિદ કરી છે કે, સ્કૂલે આવતા ભૂલકાઓ, બાળકોને કોઇપણ ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકાશે નહીં. આમ છતાં કોઇ સ્કૂલ આવી કોઇ ફરજ પાડતી હશે તો તેની સામે પગલાં ભરવામાં આવશે.

ગુજરાતમાં ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ નક્કી કરાયો હયો છે. કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને  ઠંડીની ઋતુમાં ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરે તેવી ફરજ પાડતી હતી. આ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં બની ગઇ હતી.. ચોક્કસ પ્રકારના ગરમ કપડાં અને ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવાની ફરજ પાડતી સ્કૂલો સામે અગાઉ અનેક વખત વાલીઓએ ઉહાપોહ કર્યો હતો. વાલીઓએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, સ્કૂલો ચોક્કસ પ્રકારના સ્વેટર સાથે કેટલીક સ્કૂલો તો ચોક્કસ પ્રકારની ટોપી કે સ્કાર્ફ લેવાની પણ ફરજ પાડે છે. ઉપરાંત શાળાઓ દ્વારા ગરમ કપડાં પણ અમુક ચોક્કસ દુકાનો પાસેથી લેવાની ફરજ પાડવામાં આવે છે, જેમાં સ્કૂલો અને વેપારીની મિલીભગત હોય છે. આ મિલીભગતમાં બંન્ને પક્ષે એકબીજાના હીતો સચવાતા હોવાથી સ્કૂલો આવી પ્રવૃતિઓ કરતી હોવાનું બહાર આવ્યું હતું. વળી, સ્કૂલો ચોક્કસ પ્રકારના વેપારી પાસેથી ગરમ કપડાં ખરીદવાની ફરજ પાડયા પછી પણ આ કપડાંઓની ગુણવત્તા પણ નબળી આવતી હતી. જેના પરિણામે ઠંડી સામે વિદ્યાર્થીઓને જે રક્ષણ મળવું જોઇએ તે રક્ષણ મળતું નહોતું.

આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ  ફરિયાદો મળ્યા બાદ સ્કૂલોને ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવા ફરજ ન પાડવાની તાકિદ કરી છે. જો શાળાઓ સરકારના આદેશને નહીં માને તો આકરાં પગલા ભરાશે. જો કે વાલીઓના કહેવા મુજબ  શિયાળો શરૂ થાય તે પહેલાં સરકારે જાહેરાત કરવી જોઈએ કારણ કે મોટા ભાગના વાલીઓએ શાળાઓએ માગ્યા પ્રમાણે યુનિફોર્મ ખરીદી લીધા છે.