Site icon Revoi.in

ભાવનગરના દરિયાકાંઠા વિસ્તારના ગામડાઓમાં ST બસની સુવિધા ન મળતાં વિદ્યાર્થીઓનો હોબાળો

Social Share

ભાવનગરઃ  જિલ્લાના ઘોઘા તાલુકાના અંતરિયાળ ગામોને એસટી બસની પુરતી સુવિધા ન મળતી હોવાની ફરિયાદો ઊઠી છે, અગાઉ પણ ગ્રામજનોને રજુઆતો કરી હતી. છતાં પણ તાલુકાના અંતરિયાળ ગામો પત્યે એસટી તંત્ર દ્વારા ઓરમાયુ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ગામડાંઓમાં શિક્ષણની પણ પુરતી સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને ઘોઘા અને છેક ભાવનગર સુધી ભણવા માટે આવવું પડે છે, ત્યારે એસટી બસની સુવિધા મળતી ન હોવાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ના છૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આખરે કંટાળીને ઘોઘા તાલુકાના વિદ્યાર્થીઓએ ભાવનગરના એસટી ડેપોમાં ધરણા કરીને હોબાળો મચાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના દરિયાઈ પટ્ટી પર આવેલા સેંકડો ગામોમાં એસટી બસની પર્યાપ્ત સેવા ઉપલબ્ધ ન હોવાનાં કારણે ભાવનગર એસટી ડેપો મથકે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને સેવા શરૂ કરવા ઉગ્ર માંગ કરી હતી. ભાવનગર શહેરને અડીને આવેલાં ઘોઘા તાલુકાના લાખણકા, હાથબ, કોળીયાક, કૂડા, મિઠીવિરડી, થળસર સહિતના અનેક અંતરિયાળ ગામડાઓમાં એસટી બસની અપૂરતી સેવાને પગલે આ ગામડાઓમાં વસતાં લોકો તથા વિદ્યાર્થીઓને બમણાં ભાડા ચુકવવી ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર થવું પડે છે. આ ગામડાનાં લોકો દ્વારા અનેક વખત એસટી નિયામક સહિતનાઓને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી બસ સેવા શરૂ ન કરાતાં ભાવનગર મુખ્ય એસટી ડેપો મથકે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકઠાં થયા હતા અને સૂત્રોચ્ચાર કરી તત્કાળ મુખ્ય તથા અંતરિયાળ ગામડાઓમાં પુરતી સેવા શરૂ કરવા માંગ કરી હતી. આ વિસ્તારની સ્થાનિક નેતાગીરી પણ નિષ્ક્રિય હોય એવું લાગી રહ્યું છે.