Site icon Revoi.in

કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીઓને નિશુલ્ક શિક્ષણ અપાશે

Social Share

ભુજ : 1962થી ભારતીય શિક્ષણના મૂળ તત્ત્વને પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સાથે 1988થી ભુજમાં કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા વિદ્યાસંકુલમાં શિશુમંદિરથી ધો. 10નું ગુજરાતી માધ્યમનું શિક્ષણ ખૂબ જ વાજબી શુલ્કથી ચાલે છે. હવે અનોખી પહેલ કરશે જેમાં આગામી વર્ષ માટે આ વિદ્યા સંકુલ સંપૂર્ણ નિ:શુલ્ક ધોરણે ચલાવવા નિર્ણય લેવાયો છે.

ભુજમાં કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા વિદ્યાસંકુલમાં શિશુમંદિરથી ધો. 10નું ગુજરાતી માધ્યમનું શિક્ષણ ખૂબ જ વાજબી શુલ્કથી ચાલે છે, હવે વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપણો સમાજ જવાબદારી ઉઠાવી શકે તેટલી વિદ્યાનિષ્ઠા ધરાવે છે, ત્યારે સમગ્ર દેશ માટે પથદર્શક પ્રયોગ કચ્છની ધરતી પરથી સાકાર થવા જઇ રહ્યો છે. કોરોના મહામારીમાં લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ધંધા-રોજગાર ગુમાવ્યા છે. અનેક લોકો ઘરબાર છોડી અન્ય સ્થાનો તરફ જવા વિવશ બન્યા છે.

સારી ખાનગી શાળાઓ ફ્રીમાં રાહત આપવા તૈયાર નથી. આથી વાલીઓ ફી ભરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેમના બાળકોને શાળામાંથી ઉઠાડી દેવા મજબૂર થયા છે. આ વિકટ સ્થિતિમાં સમાજનું કોઇ બાળક પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે સારા શિક્ષણથી વંચિત ન રહે તે માટે સમાજશ્રેષ્ઠીઓના ઉદાર સહયોગની અપેક્ષાએ આ સંભવત: પ્રથમ પ્રયોગ હાથ ધરાશે. જેને આગળ ઉપર ચાલુ રાખવાની નેમ ધરાવીએ છીએ તેવું કચ્છ કલ્યાણ સંઘના પ્રમુખ નવીન વ્યાસ અને પ્રકલ્પ સંયોજક ડો. મેહુલ શાહે જણાવ્યું હતું.