Site icon Revoi.in

પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવા સંઘ દ્વારા સરકારને રજુઆત

Social Share

ગાંધીનગર:  ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે ધો. 12ની શાળાઓ અને કોલેજો શરૂ કરવાની મંજુરી આપી દીધી છે. ત્યારે તમામ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની શિક્ષણ સંઘ દ્વારા સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે. ગામડાંઓમાં કોરોનાના એક પણ કેસ નથી. બીજીબાજુ પ્રાથમિક શાળાના બાળકો માટે ઓફલાઈન શિક્ષણ જરૂરી છે.

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શાળાઓ પણ ઓફલાઇન શરૂ કરવા માટે માંગણી કરવમાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો. રાજ્યમાં હાલ કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે ત્યારે તેને ધ્યાને લઇ પ્રાથમિક શિક્ષણ કાર્ય રોટેશન પદ્ધતિથી ચાલુ કરવા માટે માંગણી કરવામાં આવી છે. પહેલાં ધોરણ 6 થી 8 અને ત્યારબાદ ધોરણ 1 થી 5 ના ઓફલાઇન ક્લાસ શરૂ કરવા માંગણી કરવમાં આવી છે. ઓનલાઇન શિક્ષણમાં મોબાઇલ નેટવર્ક અને શેરી શિક્ષણમાં સમસ્યા આવતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  પ્રાથમિક શિક્ષક સંઘ ઉપરાંત સ્વનિર્ભર શાળા સંચાલકોએ પણ ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવા માંગણી કરી છે. કોરોના મહામારી કાબુમાં આવી રહી છે. અને બધું જ ખુલી રહ્યું છે, ત્યારે સ્કૂલો જ શા માટે બંધ રાખવામાં આવી રહી છે. તબક્કાવાર તમામ વર્ગો શરૂ કરવા સંચાલક મંડળ દ્વારા માંગ કરાઈ છે. શાળા સંચાલકોનું માનવુ છે કે, જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજુરી અપાઈ હતી, તે જ રીતે આ વખતે પણ મંજૂરી આપવામા આવે. શાળા સંચાલકો પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખશે તેવી સરકારને હૈયાધારણ પણ આપવામાં આવી છે.