Site icon Revoi.in

ત્રણ વર્ષના બાળકના કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠની સફળતા પૂર્વક સર્જરી

Social Share

અમદાવાદઃ રાજય સરકારના આરોગ્ય વિભાગનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આજે અનેક પરિવારોમાં ઉજાસ પાથરવાનું કામ કરી રહ્યો છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી સોજિત્રાના આજે ત્રણ વર્ષના થયેલા પિયુષ સંજયભાઇ તળપદા કે જેનો વર્ષ-2018માં જન્મ જતાંજ ખબર પડી ગઇ કે બાળકમાં Neural tube defect નામની બિમારી છે. Neural tube defect એટલે કે કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠ. આ ગાંઠના કારણે હલન-ચલન તથા નિત્યક્રિયાઓમાં બાળકને ભારે મુશ્કેલી પડતી હતી.

તબીબોના જણાવ્યા અનુસાર આ ગાંઠ 10 હજાર વ્યકિતએ માંડ બે થી ચાર કેસોમાં જોવા મળે છે. આ ગાંઠનું ઓપરેશન જો ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો તેનો ખર્ચ અંદાજે રૂા. 4થી 5 લાખનો થાય છે. સોજિત્રાના ખેતમજૂરી અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં સંજયભાઇ તળપદાના. પરિવારમાં નવેમ્બર-2018માં દીકરાનો જન્મ થયો હતો. આ દીકરાનો તારાપુરની સરકારી હોસ્પિટલમાં જન્મ થતાં જ આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં ખબર પડી કે બાળકમાં Neural tube defect છે. આમ, આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા સંજયભાઇ તળપદાને બાળકમાં રહેલ બિમારીનો ખ્યાલ આપવામાં આવતાં એક સમયે આ સારવારના થનાર ખર્ચની રકમ સાંભળીને એકવાર તો તેઓ ચિંતામાં પડી ગયા હતા. પરંતુ તેમની આ ચિંતા દૂર કરવાનું કામ કર્યું આર.બી.એસ.કે.ટીમના તબીબોએ.

આર.બી.એસ.કે. ટીમના તબીબોએ સંજયભાઇને કહ્યું કે, તમારા બાળકમાં Neural tube defect નામની બિમારી છે પરંતુ તમારે તમારા દીકરાની ચિંતા કરવાની જરૂરી નથી. તમારા દીકરાને સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે મોકલીને તેની સારવાર તદ્દન મફત કરવામાં આવશે. રાજય સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અંતર્ગત સંજયભાઇના પુત્ર પિયુષને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જયાં તેની તદ્દન મફતમાં કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું. આજે આ બાળક ત્રણ વર્ષથી વધુ ઉંમરનું થયું છે જે સંપૂર્ણ સ્વસ્થ છે.