નવી દિલ્હી, 13 માર્ચ 2026: ભારતમાં ‘પેસિવ ઈચ્છામૃત્યુ’ અંગે સ્પષ્ટ કાયદો ન હોવા બદલ સુપ્રીમ કોર્ટે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે જણાવ્યું હતું કે, કાયદાકીય શૂન્યાવકાશ હોવાને કારણે કોર્ટે વારંવાર બંધારણીય જરૂરિયાત મુજબ માર્ગદર્શિકા આપવી પડે છે. કોર્ટે કેન્દ્ર સરકારને આ જટિલ અને સંવેદનશીલ વિષય પર વહેલી તકે વ્યાપક કાયદો ઘડવા આગ્રહ કર્યો છે. 32 વર્ષીય હરીશ રાણા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ અવલોકનો કર્યા હતા. અદાલતે નોંધ્યું કે વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે ‘ગરિમા સાથે મરવાના અધિકાર’ને મૂળભૂત અધિકાર માન્યો હતો, તેમ છતાં 8 વર્ષ વીતી ગયા પછી પણ સંસદ દ્વારા કોઈ ચોક્કસ કાયદો બનાવવામાં આવ્યો નથી.
ભારતમાં ઈચ્છામૃત્યુની ચર્ચા અરુણા શાનબાગ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા કેસથી તેજ બની હતી. સુપ્રીમ કોર્ટે ‘એક્ટિવ ઈચ્છામૃત્યુ’ની મનાઈ કરી હતી પરંતુ ‘પેસિવ ઈચ્છામૃત્યુ’ માટે વચગાળાની માર્ગદર્શિકા જાહેર કરી હતી. 2018માં એક NGOની અરજી પર ઐતિહાસિક ચુકાદો આપતા કોર્ટે કલમ 21 હેઠળ સન્માનજનક મૃત્યુને જીવનના અધિકારનો ભાગ ગણાવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે ‘Medical Treatment of Terminally-ill Patients Bill’ તૈયાર કરી સૂચનો માંગ્યા હતા, પરંતુ તે આગળ વધી શક્યું નથી. કોર્ટે નોંધ્યું હતું કે, અંતિમ જીવન-સંભાળ જેવા કિસ્સાઓમાં કાયદાકીય નિશ્ચિતતા હોવી જરૂરી છે. અત્યારે ડોક્ટરો અને પરિવારજનો કાયદાકીય ગૂંચવણોને કારણે મૂંઝવણમાં રહે છે. જો કેન્દ્ર સરકાર સમગ્ર દેશ માટે એક સમાન કાયદો બનાવે, તો જ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે છે.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટમાં હવે AI કરશે કેસ લિસ્ટીંગ અને બેન્ચ ફાળવણીનું કામ

