Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે એમએસ ધોનીને મોકલી નોટિસ,આમ્રપાલી ગ્રુપ સાથે રૂ. 150 કરોડના ટ્રાન્ઝેક્શનનો મામલો

Social Share

મુંબઈ:ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે.આમ્રપાલી ગ્રુપ અને એમએસ ધોની વચ્ચે ટ્રાન્ઝેક્શનનો મામલો ચાલી રહ્યો છે, જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી.એમએસ ધોનીએ આમ્રપાલી ગ્રૂપ પાસેથી રૂ. 150 કરોડના લેણાં લેવાના છે, બીજી તરફ ગ્રુપના ગ્રાહકોને તેમના ફ્લેટ નથી મળી રહ્યા, તેથી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

આમ્રપાલી ગ્રુપ અને મહેન્દ્ર સિંહ ધોની સંબંધિત આ મામલો અગાઉ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો, જ્યાં હાઈકોર્ટે એક સમિતિની રચના કરી હતી.નિવૃત્ત જસ્ટિસ વીણા બીરબલની અધ્યક્ષતાવાળી આ સમિતિ મામલાને ઉકેલવા માટે જવાબદાર હતી.

કમિટીની રચના થયા બાદ જ પીડિતોએ સુપ્રીમ કોર્ટમાં આ મામલો ઉઠાવ્યો હતો.સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પીડિતો વતી દલીલ કરવામાં આવી છે કે,આમ્રપાલી ગ્રૂપ પાસે ફંડની અછત છે, તેથી તેમના દ્વારા બુક કરાયેલા ફ્લેટ ઉપલબ્ધ નથી.

પીડિતોનું કહેવું છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ દિલ્હી હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિની સામે તેમના 150 કરોડ રૂપિયાના લેણાં લીધા છે.મહેન્દ્ર સિંહ ધોની આમ્રપાલી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર હતા, આ માટે તેને 150 કરોડ મળવાના છે. હવે પીડિતો તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે જો આમ્રપાલી ગ્રુપ એમએસ ધોનીના લેણાં ચૂકવવા માટે પૈસા ખર્ચે છે, તો તેમના ફ્લેટ ઉપલબ્ધ રહેશે નહીં.

આ સંદર્ભમાં હવે સુપ્રીમ કોર્ટે મહેન્દ્ર સિંહ ધોની અને આમ્રપાલી ગ્રુપને નોટિસ પાઠવીને પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. જો કે સુપ્રીમ કોર્ટે હજુ સુધી આર્બિટ્રેશન કમિટીની સુનાવણી કે કોઈપણ પ્રકારની કાર્યવાહી પર રોક લગાવી નથી.