નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: દેશમાં રખડતા કૂતરાઓના વધતા જતા હુમલાઓ અને તેના કારણે થતા મોતના મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રહેણાંક વિસ્તારોમાં રખડતા કૂતરાઓના હુમલાથી થતી કોઈપણ ઈજા કે મૃત્યુ માટે નાગરિક સત્તાવાળાઓ (મ્યુનિસિપલ કોર્પોરેશન) અને કૂતરાઓને ખવડાવનારા (ફીડર્સ) બંનેને જવાબદાર ઠેરવી શકાય છે.
જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે આ મુદ્દે દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી કરતા મૌખિક ટિપ્પણી કરી હતી કે, “જે લોકોને રખડતા કૂતરાઓની આટલી બધી ચિંતા છે, તેઓએ તેમને રસ્તા પર રખડતા મૂકવા, લોકોને કરડવા કે ડરાવવા દેવાને બદલે પોતાના ઘરે લઈ જવા જોઈએ.” અદાલતે વધુમાં ઉમેર્યું કે હવે કૂતરા કરડવાની ઘટનાઓ માટે કૂતરા પ્રેમીઓ અને તેમને ખવડાવનારાઓને પણ જવાબદાર અને જવાબદેહ ગણવામાં આવશે.
જસ્ટિસ વિક્રમ નાથે રાજ્ય સરકારોની નિષ્ક્રિયતા પર પ્રહાર કરતા કહ્યું કે, “છેલ્લા પાંચ વર્ષમાં નિયમોના અમલીકરણમાં નિષ્ફળ રહેલી રાજ્ય સરકારો પાસેથી અમે બાળકો કે વૃદ્ધોના મોત અથવા ઈજાના કિસ્સામાં ભારે વળતર વસૂલવાની માંગ કરીશું. જો તમને આ પ્રાણીઓ પ્રત્યે આટલો પ્રેમ છે, તો તેમને પાળી લો. આ કૂતરાઓ કેમ રસ્તા પર રખડતા રહીને લોકોને ડરાવે છે?”
સુનાવણી દરમિયાન જસ્ટિસ મહેતાએ પણ ચિંતા વ્યક્ત કરતા સવાલ કર્યો હતો કે, “જ્યારે કૂતરાઓ 9 વર્ષના નિર્દોષ બાળક પર હુમલો કરે છે, ત્યારે કોને જવાબદાર ગણવા જોઈએ? શું એ સંસ્થાને જે તેમને ખવડાવે છે? શું તમે એવું ઈચ્છો છો કે અમે આ ગંભીર સમસ્યા પર આંખ આડા કાન કરીએ?”
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ 7 નવેમ્બર, 2025ના રોજ આપેલા પોતાના એક આદેશમાં સુધારાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. અગાઉના આદેશમાં સત્તાવાળાઓને સંસ્થાકીય વિસ્તારો અને રસ્તાઓ પરથી રખડતા પ્રાણીઓને હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસ ગયા વર્ષે 28 જુલાઈના રોજ દિલ્હીમાં રખડતા કૂતરાના કરડવાથી ફેલાતા હડકવા અને બાળકો પર થતા હુમલાના મીડિયા અહેવાલોના આધારે સુપ્રીમ કોર્ટે ‘સુઓ મોટુ’ (જાતે સંજ્ઞાન લઈ) હાથ ધર્યો છે.
આ પણ વાંચોઃઅમદાવાદના કાંકરિયા પરિસરમાં નવી બે ટોય ટ્રેન 3 મહિનામાં દોડતી કરાશે

