Site icon Revoi.in

સુરત એરપોર્ટ સોનાની દાણચોરીનો પર્દાફાશઃ 1.66 કરોડનું સોના સાથે 3ની ધરપકડ

Social Share

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની કાર્યવાહીના પરિણામે રૂ. 1.66 કરોડની કિંમતનું 3.17 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. નવેમ્બર, 2022માં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

DRI ના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે, શારજાહથી સુરત મુસાફરી કરી રહેલા 3 મુસાફરો (2 પુરૂષ અને 1 સ્ત્રી)ને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાયતમાં લીધા હતા અને તેની તપાસ કરવામાં આવી હતી. ઉપરોક્ત મુસાફરોની વિગતવાર તપાસ અને એક્સ-રે સ્કેનિંગ પર, કુલ 7 સોનાની પેસ્ટ કેપ્સ્યુલ તેમના શરીરમાં છુપાવેલી જોવા મળી હતી જેમાંથી 1941.28 ગ્રામ વિદેશી મૂળનું સોનું મળી આવ્યું હતું અને જપ્ત કરવામાં આવ્યું હતું. તેની બજાર કિંમત રૂ. 1.03 કરોડ નક્કી કરવામાં આવી હતી.

અગાઉ, DRI દ્વારા સમાન કાર્યવાહીને કારણે 2 નવેમ્બરના રોજ શારજાહથી સુરત તરફ મુસાફરી કરી રહેલા 2 મુસાફરોને અટકાવવામાં આવ્યા હતા અને તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, જેમના પર કેપ્સ્યુલ સ્વરૂપમાં અને અન્ડરવેરમાં તેમના શરીરમાં સોનાની પેસ્ટ છુપાવેલી જોવા મળી હતી. આ કેસમાં રિકવર કરાયેલ અને જપ્ત કરાયેલ કુલ સોનું 1.23 કિલો હતું જેની કિંમત રૂ. 63.25 લાખ હતી.

ગુજરાતમાં આ નાણાકીય વર્ષમાં ડીઆરઆઈએ હંમેશા સોનાની દાણચોરી પર કડક નજર રાખી છે અને અત્યાર સુધીમાં રૂ. 18.10 કરોડની કિંમતનું 33.735 કિલોગ્રામ જપ્ત કર્યું છે. તદુપરાંત, ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને આદર્શ આચારસંહિતા લાગુ થતાં પહેલાં ડીઆરઆઈ દ્વારા સોનાની દાણચોરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.