Site icon Revoi.in

સુરત મનપાએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને શરૂ કરી તૈયારીઓઃ 50 વેન્ટિલેટરની કરાશે ખરીદી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે આગોતરુ આયોજન કર્યું છે. આ ઉપરાંત જે તે સ્થાનિક તંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી લહેરમાં ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત સહિતની સમસ્યા ના સર્જાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત કોર્પોરેશનને પણ સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ શરૂ કરી છે. ત્રીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થવાની સંભાવના વચ્ચે હવે સુરત મહાનગપાલિકાએ 50 જેટલા વેન્ટિલેટર ખરીદવા તૈયારી દર્શાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બાળકો માટે અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવશે. જેમાં ઓક્સિજનયુક્ત 60 બેડ મળીને 125 બેડ માટે સ્ટાફ, દવાઓ તેમજ વેન્ટિલેટર ખરીદવામાં આવશે. હાલ સ્મીમેર હોસ્પિટલમાં બાળકો માટેના નિયોનેટલ વેન્ટિલેરની સંખ્યા 12 છે. હવે દસ કિલોથી ઓછું વજન ધરાવતા બાળકો માટે 50 વેન્ટિલેટર ખરીદવામાં આવશે. જે પેટે સુરત મનપાને અંદાજે 7.50 કરોડનો ખર્ચ થશે. બાળકો માટે જે કોવીડ હોસ્પિટલ તૈયાર કરશે તેમાં 20 બેડ એન.આઈ.સી.યુ., 40 બેડ એચ.ડી.યુ., 60 બેડ ઓક્સીજનવાળા તેમજ તાજા જન્મેલા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે 30 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. 125 બેડ ઉપરાંત 30 બેડ માતાઓ માટે પણ રાખવામાં આવશે. નોન કોવીડ દર્દીઓની સારવાર માટે 20 બેડ અલગ રાખવામાં આવશે.

સ્મીમેર હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગની ક્ષમતા વધારવા માટે પીસીઆર લેબોરેટરીને પણ અપગ્રેડ કરવામાં આવશે. તેના માટે એકાદ કરોડોના ખર્ચે અત્યાધુનિક સાધનો વસાવવામાં આવશે. માઇક્રોબાયોલિજી ડિપાર્ટમેન્ટના વડા ડો.મનુભાઈ જૈનના જણાવ્યા પ્રમાણે હાલની પીસીઆર લેબોરેટરીમાં એક સમયે 3800થી વધુ ટેસ્ટિંગ થયા હતા અને હવે બીજા 1500 થી 2000 ટેસ્ટિંગ વધારી શકાય તે માટે લેબોરેટરીને અપગ્રેડ કરવામાં આવનાર છે. જેથી કોરોનાનું વહેલું ડિટેક્શન શક્ય બને.