Site icon Revoi.in

સુરતના પોલીસ કમિશનર તેમજ સાઉથ રેન્જના IGની જગ્યા ખાલી, સરકાર નિર્ણય લઈ શકતી નથી

Social Share

સુરતઃ શહેરમાં પોલીસ કમિશનર અજય કૂમાર તોમર વય મર્યાદાને કારણે નિવૃત થયા બાદ તેમના સ્થાને કોઈનીય હજુ સુધી નિમણૂંક કરવામાં આવી નથી. તદઉપરાંત છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતના આઈજીની પણ જગ્યા ખાલી રહી છે અને ત્યાં પણ ઇન્ચાર્જથી કારભાર ચલાવાઇ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આ મહત્વની જગ્યા પર કાર્યદક્ષ અધિકારીઓની સત્વરે નિમણુંક કરવા કોંગ્રેસ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગહહરાજ્યમંઊને પત્ર લખીને રજુઆત કરી છે.

સુરત શહેર રાજ્યનું આર્થિક પાટનગર ગણાય છે. અને 70 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી કાયદો અને વ્યવસ્થા સંભાળનાર પોલીસ કમિશનર જ નથી રહ્યા. વયમર્યાદાને લઇ પોલીસ કમિશનર અજય કુમારની નિવૃત્તિ બાદ સરકારે કે ગૃહ વિભાગે નવા પોલીસ કમિશનરની જાહેરાત કરી નથી. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતના આઈજીની પણ જગ્યા ખાલી રહી છે અને ત્યાં પણ ઇન્ચાર્જથી કારભાર ચલાવાઇ રહ્યો છે. જેને લઇ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે સુરત શહેર કમિશનર અને રેન્જ આઇજીની તાત્કાલિક નિમણૂક કરવા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમારની 31 જાન્યુઆરીએ વય નિવૃત્તિ થયા બાદ આજ દિન સુધી નવા કમિશનરની જાહેરાત કરાઈ નથી, જેને લઇ શહેરમાં કાયદો વ્યવસ્થા પર મોટી અસર પડી રહી છે. કયા કારણોસર સરકાર આ પોસ્ટ પર તાત્કાલિક જાહેરાત કરતી નથી, તેનું કોઈ કારણ જાણી શકતું નથી. ગુજરાતમાં અમદાવાદ પછી સૌથી વધુ વિકસિત ગણાતું સુરત શહેર હાલમાં અનઓફિશિયલી ઇન્ચાર્જ પોલીસ કમિશનરના હવાલે છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાત રેન્જીની પોસ્ટ પણ સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરના ઇન્ચાર્જથી ચાલી રહી છે. જેથી સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત રેન્જ આઈજીની કાયમી નિમણૂક કરવાની માગ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને  રજૂઆત કરવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે ઉમેર્યુ હતું કે, ગૃહમંત્રીનું શહેર જ પોલીસ કમિશનર વગર ચાલી રહ્યું છે. જે સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી રેન્જ આઈજી પણ કાયમી મુકાયા નથી અને હાલમાં ચાર્જથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. સુરત રેન્જમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જિલ્લાના તમામ પોલીસ મથકોનો સમાવેશ થાય છે.જે વાબાંગ ઝમીરને સુરત રેન્જ આઈજીનો હવાલો સોંપવામાં આવ્યો છે. શહેર અને આટલા મોટા ગ્રામ્ય વિસ્તાર ઇન્ચાર્જ અધિકારી દ્વારા સંભાળવાથી આખી સિસ્ટમ પર અસર થઈ રહી છે.

(PHOTO-FILE)