સુરતઃ શહેરને ચોખ્ખુ ચણાક રાખવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. દેશના અન્ય શહેરોની તુલનાએ સ્વચ્છતા માટે સુરત શહેરનો અવ્વલ નંબર આવે છે. ત્યારે સ્વચ્છતાના માપદંડમાં ફરી એકવાર સુરત શહેર સફળ રહ્યું છે. સુરત બન્યું દેશનું દ્વિતીય નંબરનુ સ્વચ્છ શહેર જાહેર કરાયુ છે. 2021 માં સતત બીજી વખત સુરત શહેરને સ્વચ્છ શહેરની યાદીમાં સામેલ કરાયું છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છ અમૃત મહોત્સવમાં દેશના સ્વચ્છ શહેરોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ ઉપલબ્ધિ બદલ સુરત મ્યુનિ.કોર્પોરેશને જનતાનો આભાર માન્યો છે. સાથે જ શહેરને સ્વચ્છ રાખવા બદલ સુરતીઓનો આભાર માન્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોર સતત 5 મી વખત પ્રથમ સ્થાને છે. જ્યારે અમદાવાદ શહેર દેશનું સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ જાહેર થયુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સ્વચ્છ અમૃત મહોત્સવ એવોર્ડ્સ: ૨૦૨૧ યોજાયો હતો. જેમાં ઈન્દોર શહેરને દેશના સર્વોચ્ચ સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. તો સતત બીજી વખત સુરત શહેરને દ્વિતીય નંબરનું સ્વચ્છતમ શહેર જાહેર કરાયુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તમામ શહેરોને સ્વચ્છતાના એવોર્ડ આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિના હસ્તે સુરતના મેયર હેમાલી બોઘાવાલી અને શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડીયા તથા પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ સન્માન સ્વીકાર્યું હતું. એક લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં સુરતને બીજો ક્રમ મળ્યો છે. સર્વેક્ષણ અંતર્ગત મ્યુનિ.એ 1 લાખથી વધુ દસ્તાવેજો અપલોડ કર્યા હતા. તેમાં સુરતને 1500માંથી 1350 માર્કસ મળ્યા છે.