Site icon Revoi.in

સ્માર્ટ સિટીના ડાઈમેનિક રેન્કમાં સુરત અવલ્લ, અમદાવાદ છઠ્ઠા ક્રમે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસની દેશ અને દુનિયાએ નોંધ લીધી છે. દેશના વિવિધ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. દરમિયાન સ્માર્ટ સિટીઝમાં ડાઇનેમિક રેન્ક કેટેગરીમાં દેશના 100 સ્માર્ટ સિટીમાં ડાયમન્ડ સિટી સુરત પ્રથમ ક્રમે રહ્યું છે. દેશના ટોપ ટેન સ્માર્ટ સિટીમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ થાય છે. અમદાવાદ 6ઠ્ઠા ક્રમે રહ્યું છે. પ્રોજેક્ટ, ગ્રાન્ટ વપરાશ જેવા માપદંડ આધારે રેન્કિંગ કરાયું હતું.

સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી અંતર્ગત કુલ 140માંથી 128 ગુણ મેળવીને સુરત અવ્વલ રહ્યું છે. સુરતમાં 81માંથી 79 પ્રોજેક્ટ પૂર્ણ કરાયા છે અને બાકીના પ્રોજેક્ટ પણ વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવશે. કેન્દ્ર સરકારના સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત સુરત પાલિકાએ કુલ 2936 કરોડના 81માંથી 1791 કરોડના 69 પ્રોજેક્ટ પૂર્ણ કરી દીધા છે, જ્યારે 1145 કરોડના 12 પ્રોજેકટનું કામ હાલમાં કાર્યરત છે. 2015માં સ્માર્ટસિટીઝ મિશનની યોજના જાહેર કરી ત્યાર બાદ આ યોજના અંતર્ગત દેશના પસંદગી પામેલાં 100 શહેરો પૈકી સુરતની પસંદગી થઇ હતી.

ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મોબિલિટી એડમિનિસ્ટ્રેશન સેન્ટર, ઐતિહાસિક કિલ્લાનું રિસ્ટોરેશન-ડેવલપમેન્ટ, કોયલી ખાડીની પુન: રચના અને રિમોડેલિંગ, ઇન્ટેલિજન્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અને એરિયા સર્વેલન્સ નેટવર્ક, કોમન ટ્રાન્સમિશન લાઇન, આંજણા, અલથાણ અને ડુંભાલ ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ, ઓટોમેશન એન્ડ સ્કાડા વર્ક્સ, ફ્રેન્ચ વેલ, ડેટા સેન્ટર સ્ટ્રેન્થનિંગ, આઉટડોર ડિજિટલ ડિસ્પલે બોર્ડ વગેરે કામો પ્રગતિ હેઠળ છે.