Site icon Revoi.in

સુરતમાં એક જ વર્ષમાં 1.85 લાખ વાહનો વેચાયા, દોઢ લાખ બાઈક અને 30 હજાર કારનો સમાવેશ

Social Share

સુરતઃ શહેરમાં વસતીમાં વધારો સાથે વાહનોની સંખ્યા વધી રહી છે. જો આવી જ રીતે વાહનોની સંખ્યા વધતી રહેશે તો આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બનશે. સુરત શહેરના આરટીઓમાં  વર્ષ 2022-23માં 1.44 લાખ બાઈક અને 30 હજાર કારનું રજિસ્ટ્રેશન થયુ હતુ.  આરટીઓના આંકડા પ્રમાણે સુરતમાં રોજ 394 બાઈક અને 83 કારનું વેચાણ થયું હતું. સુરતમાં વેચાઈ રહેલી બાઈક, કાર, ટ્રેક્ટર, ટ્રક, એમ્બ્યુલન્સ સહિતના વાહનોની અંદાજિત કિંમત આંકવામાં આવે તો રોજ સરેરાશ 25 કરોડ રૂપિયાથી વધુ કિંમતના વાહનો વેચાઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા એક વર્ષમાં કુલ 1.85 લાખ વાહનોનું વેચાણ થયું હતું.

સુરત શહેરમાં  વસતિ વધારા સાથે વાહનોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાઈક અને કારના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2020-21માં 61 હજાર બાઈક સામે 2022-23માં 1.44 લાખ બાઈકનું વેચાણ થયું હતું. એટલે કે બાઈકના વેચાણમાં 100 ટકાથી પણ વધુ વધારો થયો હતો. જ્યારે કારના વેચાણમાં પણ ખાસ્સો વધારો જોવા મળ્યો છે. 2020-21માં વેચાયેલી 16 હજાર કારની સામે 2022-23માં 27 હજાર કારનું વેચાણ થયું હતું. જોકે, ઇલેક્ટ્રિક કાર બજારમાં આવી ત્યારથી સુરતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ પણ વધી ગયું છે. સુરતમાં 1.44 લાખ બાઈક જેની સરેરાશ 1 લાખની કિંમત ગણીએ તો 1441 કરોડના બાઈક, કારની સરેરાશ કિંમત 15 લાખ રૂપિયા ગણીએ તો 4134 કરોડ રૂપિયાની કારનું વેચાણ થયું હોવાનો અંદાજ લગાવી શકાય છે. સુરત શહેર ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં અવ્વલ નંબરે છે. અમદાવાદ અને રાજકોટને પાછળ છોડી સુરત રાજ્યમાં પ્રથમ ક્રમે છે. સુરતમાં અત્યાર સુધીમાં 31742 ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું છે, જેમાં 26984 બાઈક-સ્કૂટર, 3079 મોપેડ, 379 થ્રી વ્હીલર, 187 બસ, 982 કાર, 103 થ્રી વ્હીલર પેસેન્જર વાહનનું વેચાણ થયું છે. આમ 31742 વાહનના વેચાણ સાથે સુરત રાજ્યભરમાં પ્રથમ નંબરે છે.

સૂત્રોએ ઉમેર્યું હતુંકે, સુરતમાં વાહનોના વેચાણનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના વાહન વેચાણના આંકડા પર નજર કરીએ તો સુરતમાં 2020-21માં કુલ 81848 વાહનો, 2021-22માં 131377 વાહન અને 2022-23માં 185171 વાહનો વેચાયા હતાં. વ્હીકલના વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આમ સુરતમાં વાહનોની સંખ્યમાં વધારો થતાં આગામી વર્ષોમાં ટ્રાફિકના ગંભીર પ્રશ્નો સર્જાશે.