Site icon Revoi.in

સુરતઃ કિમ ચાર રસ્તા પાસે વિચિત્ર અકસ્માત, એક સાથે 10 વાહનો અથડાયાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. કિમ ચાર રસ્તા પાસે પૂરઝડપે પસાર થતી લકઝરી બસના ચાલકે અચાનક બ્રેક મારતા એક-બાદ લગભગ 10 વાહનો અથડાયાં હતા. આ વિચિત્ર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં મધ્યરાત્રિ બાદ નેશનલ હાઈવે પરથી એક લકઝરી બસ પસાર થઈ રહી હતી દરમિયાન કિમ ચાર રસ્તા નજીક અચાનક બસના ચાલકે બ્રેક મારી હતી. જેથી બસની પાછળ આવતા વાહનો એક બાદ એક-બીજા સાથે અથડાયાં હતા. આમ હાઈવે પર કિમ ચાર રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં 10 વાહનો અથડાયાં હતા. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી. અકસ્માતની આ ઘટનામાં કેટલાક વાહન ચાલકોને સામાન્ય ઈજા થઈ હતી.

આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેથી પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો હટાવવાની સાથે ટ્રાફિક હડળો કરવાની કવાયત શરૂ કરી હતી. અકસ્માતમાં અનેક વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અન્ય કોઈ મોટી જાનહાનિ નહીં થતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.