Site icon Revoi.in

સુરતઃ મનપા ઇ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે વ્હીકલ ટેક્સના માળખામાં સુધારો કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણ ઉપર નિયંત્રણ મુકવા માટે સરકાર દ્વારા ઈ-વાહનોને લઈને લોકોને પ્રાત્સાહન આપવામાં આવે છે. તેમજ રાજ્યના માર્ગો ઉપર હાલ અનેક ઈ-વાહનો દોડી રહ્યાં છે. દરમિયાન સુરત મનપાએ ઈ-વાહનનું ચલણ વધે તે માટે વ્હીકલ ટેક્સના માળખામાં સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ઈ-વાહનોને પ-પાર્કિંગમાં 3 વર્ષ સુધી ફ્રીમાં પાર્કિંગની સુવિધા આપવામાં આવશે.

સુરત મનપા દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલનું ચલણ વધારવા અને પેટ્રોલ – ડિઝલ બેઝ નવા વાહનો નિયંત્રિત કરવાના ભાગરૂપે આજીવન વ્હીકલ ટેક્સના માળખામાં પણ સુધારો કરવાની તજવીજ શરૂ કરી છે. તંત્ર દ્વારા બજેટમાં વ્હીકલ ટેક્સમાં વધારો સૂચવાયો છે, જ્યારે ઈલેક્ટ્રિક વ્હીકલને આગામી ચાર વર્ષ તબક્કાવાર વ્હીકલ ટેક્સમાં અનુક્રમે 100 ટકા , 75 ટકા , 50 ટકા અને 25 ટકા માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઈ -વ્હીકલને મનપા સંચાલિત કોઈપણ પે એન્ડ પાર્કમાં ત્રણ વર્ષ સુધી કોઈપણ પ્રકારના પાર્કિંગ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવશે. એક્સ શો – રૂમ કિંમત પર હાલ બે ટકા વાહનવેરો વસૂલાય છે જે યથાવત રાખવામાં આવશે. થ્રી – વ્હીલ વાહનો પર હાલ 2.50 ટકા વાહનકર વસૂલાય છે. જેને બદલે હવે જો આરટીઓ રજિસ્ટ્રેશન વખતે સીએનજી ફીટેડ થ્રી – વ્હીલ વાહન હોય તો 1.50 ટકા વાહનકર વસૂલવાનું સૂચવાયું છે. હાલ 20 લાખ સુધીના ફોરવ્હીલ વાહનો માટે 2.50 ટકા અને 20 લાખથી વધુ કિંમતના વાહનો માટે 3.50 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. હવે આગામી વર્ષથી 10 લાખ સુધીના વાહન માટે પડતર કિંમતમાં 2.5 ટકા, 10થી 25 લાખ સુધીના વાહનો માટે 3.5 ટકા અને 25 લાખથી વધુ પડતર કિંમત ધરાવતા વાહનો માટે 4 ટકા આજીવન વાહનવેરો વસૂલવાનું બજેટમાં સૂચવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈ ઓટો પ્રોજેક્ટ પણ લાગુ કરાયો છે. જેમાં 135 લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. ઈ ઓટોની ખરીદી કરનારને રૂપિયા 30 હજારની સબસીડી આપવામાં આવશે. મહિલા લાભાર્થીઓને તેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. રોજગારી પુરી પાડવા માટે બીઆરટીએસ અને સીટી બસ સ્ટોપથી લાસ્ટ માઈલ કનેક્ટિવિટી માટે ફીડર સર્વિસ પણ ઉભી કરાશે.