Site icon Revoi.in

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા નર્મદા નીરના રૂપિયા ચુકવી શકતી નથી, કરોડોનું બીલ બાકી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મોટા ભાગની નગરપાલિકાઓ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. ઘણીબધી નગરપાલિકાઓના વીજળી અને પાણીના કરોડો રૂપિયા બીલો બાકી છે. ત્યારે ઘણી નગરપાલિકાના વીજજોડાણો પણ કાપી નંખાયા છે. વેરાની વસુલાત નબળી હોવાથી નગરપાલિકાઓ પોતાનો રોજબરોજનો ખર્ચ પણ કાઢી શકતી નથી. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા 4.50 લાખની જનતાને 11 વર્ષથી ઉધારનાં નીર પીવડાવી રહી છે. નર્મદા નિગમે પાણીના પૈસા ન ભરતાં સંયુક્ત પાલિકાને રૂ. 37.58 કરોડનું બિલ ચૂકવવા તાકીદ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના સત્તાધિશો નાગરિકો પાસે મિલ્કત અને અન્ય વેરાઓ ઉધરાવવામાં ઉદાસિન રહ્યા છે. છેલ્લા 11 વર્ષથી નર્મદા નિગમના પાણીના પૈસા ભર્યા નથી. નર્મદા નિગમે પાણીના પૈસા ન ભરતાં સંયુક્ત પાલિકાને રૂ. 37.58 કરોડનું બિલ ચૂકવવા તાકીદ કરી છે. દાયકાથી પણ વધુ સમયથી બિલ ન ચૂકવાતાં 8.85 કરોડ વ્યાજ ચડી ગયું છે. હવે જો પાલિકા વ્યાજ સહિત રૂ. 37.58 કરોડ નહીં ચૂકવે તો સરકાર પાલિકાની ગ્રાન્ટમાંથી પણ આ રકમ કાપી શકે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા નિગમ સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાને રૂ. 4.59 રૂપિયે 1000 લીટર પાણી વેચાતું આપે છે.  નગરપાલિકા દર મહિને 75.83 કરોડ લીટર પાણીનું  વિતરિત કરે છે. સુરેન્દ્રનગરમાં 33402 અને વઢવાણમાં 14135 મળી કુલ 47535 નળજોડાણ આવેલાં છે. તે હિસાબે પાલિકાને પણ 5.50 કરોડ વસૂલ કરવાના બાકી છે. નર્મદા વિભાગ સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગર પાલિકાને જે પાણી આપે છે તેનું દર મહિને બિલ આપે છે પરંતુ આ નાણાં પાલિકાએ અત્યાર સુધી ભર્યાં નથી ત્યારે નર્મદા નિગમ જે પાણીનું બિલ આપે છે, તે મીટર વગર આપે છે. આથી પાલિકા જ્યારે પૈસા ભરવાના થશે ત્યારે નર્મદા નિગમ પાસેથી સ્પષ્ટતા પણ માગશે કે મીટર વગર આટલું બિલ કેવી રીતે આવ્યું. જોકે સંયુક્ત નગરપાલિકાની આર્થિક હાલત જોતાં આટલી મોટી રકમનું બિલ ભરી શકે તેમ નથી. બિલ બાકી છે છતાં નર્મદા વિભાગે પાણી બંધ કર્યું નથી. પાલિકાએ પણ પ્રજા ઉપર પાણીકરનો બોજો નથી વધાર્યો, હવે બાકી કરવેરા ઉઘરાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.