Site icon Revoi.in

પુંછમાં સેનાના વાહન ઉપર થયેલા હુમલા નજીક 3 વ્યક્તિઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યાં

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાના વાહન ઉપર આતંકવાદીઓ દ્વારા ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સ્થળ નજીકથી શંકાસ્પદ હાલતમાં 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. પુંછમાં સેનાના વાહન ઉપર આતંકવાદીઓ કરેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયાં હતા જ્યારે બે વ્યક્તિઓને ઈજા થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસે આઠ વ્યક્તિઓની શંકાના આધારે પૂછપરછ કરી હતી. જે પૈકી 3 વ્યક્તિઓના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. ભારતીય સુરક્ષા જવાનોએ આતંકીઓને ઝડપી લેવા માટે સર્ચ અભિયાન શરુ કર્યું છે. તેમજ પુછ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર બુફલિયાઝના ટોપા પીર ગામના 3 વ્યક્તિ સફીર હુસૈન (ઉ.વ. 43), મોહમ્મદ શૌકત (ઉ.વ. 27) અને શબ્બીર અહમદ (ઉ.વ. 32)ના શંકાસ્પદ હાલતમાં મોત થયાં હતા. તેમની મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂંછના ઉપાયુક્ત ચૌધરી મોહમ્મદ યાસીન અને ઉચ્ચ અધિકારી વિનયકુમાર ત્રણેયના મોતનો રિપોર્ટ લઈને બુફલિયાઝ પહોંચ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે બપોરના સમયે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ બફલિયાઝ વિસ્તારમાં ભારતીય સેનાના બે વાહનો ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ ભારતીય જવાનો શહીદ થયાં છે ત્યારે બે જવાનો ઈજાગ્રસ્ત થયાં છે. આતંકવાદીઓએ સેનાના વાહન ઉપર ગ્રેનેડ ફેંકવાની સાથે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ બે જવાનોના મૃતદેહને ક્ષત-વિક્ષત કર્યાં હતા. સમગ્ર ઘટનાને પગલે ભારતીય સુરક્ષા જવાનોએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Exit mobile version